અમદાવાદ મનપાનો મહત્વપૂર્ણ નિર્ણય: કાલથી રાત્રે 9 થી સવારે 6 સુધી રહેશે કર્ફ્યું, શનિ-રવિએ તમામ મોલ-સિનેમાગૃહો બંધ

અમદાવાદ :

રાજ્યમાં કોરોનાનાં વધતા સંક્રમણને પગલે સરકાર સફાળી જાગી છે. જેમાં સાવચેતીનાં ભાગરૂપે તંત્ર દ્રારા એએમટીએસ તથા બીઆરટીએસ તથા બાગબગીચા બંધ કરવામાં આવ્યા હતા અને રાત્રિ કરર્ફ્યું જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આજે રાજ્યમાં કોરોના કેસ 1200 પાર પહોંચી જતાં સતર્કતાના ભાગરૂપે તંત્ર દ્રારા પગલાં ભરવામાં આવ્યા છે.

આજે અમદાવાદ મનપા દ્રારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં શનિ-રવિ મોલ અને સિનેમા ગૃહો બંધ રાખવામાં આવશે. તેમજ આવતીકાલથી રાત્રિ કરર્ફ્યુંના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા સમય મુજબ આવતીકાલથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરર્ફ્યું રહેશે.

કોરોનાના વધતા જતા કેસનો પગલે ગુજરાતભરના વાલીઓ ચિંતાતુર બન્યા હતા. શૈક્ષણિક કાર્ય બંધ કરવાની માંગ ઉઠી હતી. ત્યારે આજે શિક્ષણ વિભાગની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં આગામી 10 એપ્રિલ સુધી ગુજરાતના 8 મહાનગરોમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય બંધ કરાયુ છે. અહી 10 એપ્રિલ સુધી ઓનલાઈન શિક્ષણ કરવામાં આવ્યું છે. તો આ સાથે જ આ 8 મહાનગરોમાં પરીક્ષાઓ પણ ઓનલાઈન લેવાશે. પરંતુ 8 મહાનગરો સિવાયના વિસ્તારોમાં શૈક્ષણિક કાર્ય વિકલ્પની સાથે ઓફલાઈન ચાલુ રાખવામા આવ્યુ છે. તેમજ મહાનગર સિવાયના વિસ્તારોમાં પરીક્ષાઓ ઓફલાઈન લઈ શકાશે. આ સાથે જ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાઓ મોકૂફ કરી છે અને નવો કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરાશે. 

ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1276 દર્દીઓ નોંધાયા હતા. તેની સામે 899દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે અમદાવાદમાં 2 અને  સુરતમાં 1 એમ કુલ ત્રણ વ્યક્તિના મોત થયા છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,82,449 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,72,332 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,433 પર પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *