HEAVY RAIN IN BENGALURU : બેંગલુરુમાં ભારે વરસાદને પગલે તબાહી મચી, ઘરોમાં પાણી ઘુસી જતાં જનજીવન ઠપ્પ

બેંગલુરુમાં ભારે વરસાદને પગલે તબાહી મચી છે. છેલ્લા 36 કલાકથી થઈ રહેલા વરસાદને પગલે લોકોના હાલ બેહાલ છે. મંગળવારે ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું હતું. રસ્તાઓ જળમગ્ન બનતા અનેક સ્થળોએ ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને પગલે 5 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે 26 મે સુધી કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરી છે.

નીચાણવાળા ઘરોમાં પાણી ઘુસ્યા
રવિવારે રાતથી મંગળવાર સુધી બેંગલુરુમાં 140 એમએમ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે શહેરના સાઈ લેઆઉટમાં તળાવ જેવી સ્થિતિ બની ઘઈ હતી. અહીં નીચાણવાળા ઘરો અડધા ડૂબી ગયા હતા. જેના કારણે ઘરોમાંથી લોકો બહાર આવી શક્યા ન હતા. લગભગ 150 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

તંત્ર દ્વારા બચાવ કાર્ય યથાવત
ગ્રાઉન્ડ અને પહેલા માળે રહેતા લોકોની સ્થિતિ વધારે ખરાબ છે. ત્યાં સુધી પહોંચવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. નગરપાલિકા ભરાયેલા પાણીને કાઢવાનો પ્રયાસ કરી રહી છે. શહેરના એક એપાર્ટમેન્ટમાં પાણી ઘુસી જતાં પાણી નીકાળવાનો પ્રયાસ કરતી વખતે એક બાળક સહિત 2 લોકોના કરંટ લાગતા મોત થયા હતા.
કર્ણાટકમાં આગામી બે દિવસ વરસાદની આગાહી
કર્ણાટક સ્ટેટ ડિઝાસ્ટર મોનિટરિંગ સેલ અનુસાર કેંગેરીમાં સૌથી વધુ 132 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉત્તર બેંગલુરુના વડેરાહલ્લીમાં 131.5 મીમી વરસાદ નોંધાયો હતો. શહેરના અન્ય ઘણા વિસ્તારોમાં પણ 100 મીમીથી વધુ વરસાદ પડ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બેંગલુરુ સહિત કર્ણાટકના 23 જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કર્યું છે. આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.