આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓ માટે એલર્ટ
ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી 3 કલાક માટે મહત્વપૂર્ણ નવકાસ્ટ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા, તેજ પવન અને ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 41થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને ટ્રાફિક પ્રભાવિત થવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી, ભરૂચ તથા આણંદ જિલ્લામાં આગામી ત્રણ કલાક દરમિયાન 15 મીમી પ્રતિ કલાકથી વધુ ભારે વરસાદ, 41થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન તેમજ 60 ટકાથી વધુ વીજળી પડવાની સંભાવના હોવાથી ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં 5થી 15 મીમી પ્રતિ કલાક સુધી મધ્યમ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં 30થી 60 ટકા સુધી વીજળી પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે લોકોને ખાસ સાવચેત રહેવા અપીલ કરી છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિક જામ, વૃક્ષો પડવા તેમજ જૂના અથવા નબળા મકાનોને નુકસાન થવાની શક્યતા છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, ખુલ્લા મેદાનમાં ન રહેવા, વીજળીના સમયે વૃક્ષો નીચે આશ્રય ન લેવા અને સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્થાનિક તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
