મહિલા સુરક્ષા માટે ગુજરાત પોલીસનું ‘સુરક્ષિત શક્તિ’ અભિયાન, 28 દિવસ સુધી ખાસ કામગીરી

મહિલા સુરક્ષા માટે ગુજરાત પોલીસનું ‘સુરક્ષિત શક્તિ’ અભિયાન, 28 દિવસ સુધી ખાસ કામગીરી

ગુજરાત પોલીસે મહિલાઓ અને યુવતીઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યવ્યાપી 28 દિવસનું ‘સુરક્ષિત શક્તિ’ અભિયાન શરૂ કર્યું છે. મહિલાઓ અને બાળકો સામે થતા ગુનાઓને અટકાવવા, જોખમો અંગે જાગૃતિ વધારવા અને જરૂરિયાતના સમયે ઝડપી મદદ ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહિલાઓ અને બાળકોની સુરક્ષામાં કોઈ બાંધછોડ ન થાય તે માટે પોલીસ તંત્રને જરૂરી કડક પગલાં લેવા સૂચના આપી છે. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ એકમો દ્વારા આ અભિયાનને અમલમાં મૂકવામાં આવી રહ્યું છે.

ગુના નિવારણ અને પેટ્રોલિંગ પર ભાર

‘સુરક્ષિત શક્તિ’ અભિયાન દરમિયાન મહિલાઓ માટે સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરીને પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવશે. મહિલાઓની છેડતી, હેરાનગતિ સહિતના ગુનાઓને અટકાવવા આગોતરી કાર્યવાહી પર ભાર મૂકવામાં આવ્યો છે.

પોલીસની કામગીરી વધુ અસરકારક અને જવાબદાર બને તે માટે બોડી-વોર્ન કેમેરા સહિત ટેક્નોલોજીના ઉપયોગને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.

ઓનલાઈન છેતરપિંડી અને સાયબર જોખમો અંગે જાગૃતિ

અભિયાનનો એક મહત્વનો હિસ્સો ડિજિટલ સુરક્ષા છે. મહિલાઓ અને યુવતીઓને સાયબરબુલિંગ, ઓનલાઈન ગ્રૂમિંગ, સેક્સટોર્શન, ડીપફેક, OTP ફ્રોડ અને QR કોડ આધારિત છેતરપિંડી જેવા જોખમોથી સાવચેત કરવામાં આવશે.

શાળાઓ, કોલેજો અને વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે મળીને જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે. સાથે જ મહિલાઓને સ્વરક્ષણ તાલીમ અને કાયદાકીય અધિકારો અંગે માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

181, 112 અને 1930 અંગે પણ જાગૃતિ

મહિલાઓને જરૂરિયાતના સમયે ઉપલબ્ધ સહાય વ્યવસ્થાઓ સુધી ઝડપથી પહોંચાડવા માટે 181 મહિલા હેલ્પલાઇન, 112 ઇમરજન્સી સેવા અને 1930 સાયબર ક્રાઇમ હેલ્પલાઇન અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવશે. વન સ્ટોપ સેન્ટર જેવી સહાય સેવાઓ સાથે પણ સંકલન વધારવામાં આવશે.

પીડિતાઓને ઝડપી અને સંવેદનશીલ સહાય

પોલીસ દ્વારા ફરિયાદોના અનુસરણ, જરૂરી કાયદાકીય કાર્યવાહી અને પીડિતાઓને સમયસર સહાય મળે તે માટે પીડિતાકેન્દ્રિત અભિગમ અપનાવવામાં આવશે. મહિલાઓ પોલીસનો સંપર્ક કરે ત્યારે તેમને જરૂરી માર્ગદર્શન અને સહાય મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવશે.

કામગીરીનું KPIના આધારે મૂલ્યાંકન

અભિયાનની અસરકારકતા માપવા માટે KPI આધારિત મૂલ્યાંકન વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. ગુનાઓ સાથે જોડાયેલા વિવિધ સૂચકાંકો ઉપરાંત પોલીસની પ્રતિસાદ ક્ષમતા, જાહેર પ્રતિસાદ અને નવીન કામગીરી જેવા માપદંડોને પણ મૂલ્યાંકનમાં સામેલ કરવામાં આવશે.

‘સુરક્ષિત શક્તિ’ અભિયાન દ્વારા પોલીસ, સામાજિક સંસ્થાઓ અને નાગરિકો વચ્ચે સંકલન વધારી મહિલાઓ માટે વધુ સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 28 દિવસ દરમિયાન નિવારણ, જાગૃતિ, ઝડપી પોલીસિંગ અને મહિલાઓના સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે.

વધુ સમાચારો અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *