
ગુજરાત કોલેજમાં ABVPના કાર્યકરો પર જીવલેણ હુમલાનો આરોપ, વિદ્યાર્થીને માથામાં 3 ટાંકા
અમદાવાદની પ્રતિષ્ઠિત ગુજરાત કોલેજ કેમ્પસમાં જૂની અદાવતને લઈને હિંસક ઘટનાનો મામલો સામે આવ્યો છે. ABVP સાથે સંકળાયેલા કેટલાક કાર્યકરો પર B.Sc. સેમેસ્ટર-5ના વિદ્યાર્થી ધ્રુવરાજસિંહ સોલંકી પર જીવલેણ હુમલો કરવાનો આરોપ લાગ્યો છે. ઘટનામાં વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના માથામાં ત્રણ ટાંકા લેવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ધ્રુવરાજસિંહ સોલંકી કોલેજ કેમ્પસમાં હાજર હતો ત્યારે 5 થી 7 જેટલા શખ્સોના ટોળાએ તેની સાથે બોલાચાલી કરી હતી. થોડા જ સમયમાં મામલો ઉગ્ર બનતાં હુમલાખોરોએ તેને ઢોર માર માર્યો હતો. મારામારી દરમિયાન ધ્રુવરાજસિંહનું માથું દીવાલ સાથે ભટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી.
ઘટના બાદ આસપાસના વિદ્યાર્થીઓ એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ તપાસ બાદ તેના માથામાં ત્રણ ટાંકા લીધા હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા પ્રિન્સ દેસાઈ સહિતના આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ કેમ્પસમાં હાજર અન્ય સાક્ષીઓના નિવેદનો પણ નોંધાવી રહી છે અને સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
કોલેજ કેમ્પસમાં બનેલી આ ઘટનાએ વિદ્યાર્થીઓમાં ચિંતા અને અસુરક્ષાની લાગણી ઉભી કરી છે. વિદ્યાર્થીઓએ કેમ્પસમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની માંગ કરી છે. પોલીસનું કહેવું છે કે ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી હેઠળ લાવવામાં આવશે.
