ભારતીય જળસીમામાંથી ઈરાની બોટને 425 કરોડના હેરોઈન સાથે ગુજરાત કોસ્ટ ગાર્ડ અને ATSએ પકડી પાડી

ગુજરાત કોસ્ટ ગાર્ડ (ICG) અને એટીએસ દ્વારા ગુપ્ત માહિતીના આધારે ભારતીય જળસીમામાં 05 ક્રૂ સાથે એક ઈરાની બોટને 61 કિલો હેરોઈન સાથે પકડી પાડી છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, એક ઈરાની માછીમારી કરી રહેલી બોટમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું છે અને તેને મધ દરિયે ગુજરાતની કોઈ બોટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ બાતમી આધારે ATSની ટીમે ઓપરેશન શરૂ કર્યું હતું. દરિયામાં અંધારામાં ઓપરેશન પાર પાડવાનું હોય જેથી કોસ્ટગાર્ડની મદદ લેવાઈ હતી.

તપાસમાં બોટ ઈરાની હોવાનું જાણવા મળ્યું

ભારતીય જળસીમામાં લગભગ એક બોટ શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. કોસ્ટગાર્ડની સ્પીડ બોટ દ્વારા દરિયામાં 190 નોટિકલ માઇલ્સ (340 કિમી) ખાતે પહોંચી બાતમી પ્રમાણેની ઈરાની બોટને અટકવવા પ્રયાસ કરતા તે ઇન્ડિયન મરીનલાઈન બહાર ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સુરક્ષાકર્મીઓએ તેને અટકાવી બોટમાં તપાસ કરી હતી. તપાસમાં આ બોટ ઈરાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં ઈરાની નાગરિકતાના પાંચ ક્રૂ હતા. જેમાંથી 425 કરોડની કિંમતનું 61 કિલો હેરોઇન કબ્જે કર્યું હતું. પાંચેય આરોપીઓને પકડીને બોટ સાથે રાત્રે ઓખા બંદરે લાવી કાર્યવાહી શરૂ કરાઇ હતી.

425 કરોડની કિંમતનો માદક પદાર્થ મળ્યો

આ સાથે બોટ અને ક્રૂની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ માટે તેને ઓખા લાવવામાં આવી રહ્યાં છે. છેલ્લા અઢાર મહિનામાં ICG એ ATS સાથેના સંકલનમાં આઠ વિદેશી જહાજોને પકડી લીધા છે અને રૂ. 2355.00 કરોડની કિંમતના 407 કિલોગ્રામ માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે.

પાક.ના ગ્વાદર પોર્ટ પરથી ડ્રગ્સ લોડ કરાયાની શંકા


ATSના સૂત્રોનું કહેવું છે કે, ઇરાનના માછીમારો ગલ્ફ ઓફ ઓમાનથી પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પર ગયા હોવાની શંકા છે. જ્યાંથી હેરોઇનનો જથ્થો લોડ કરીને મધ દરિયે બીજી બોટમાં સપ્લાય કરવાનો પ્લાન હોવાની શક્યતા છે. આરોપીની આ મુદ્દે પૂછપરછ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *