
ભક્તિમાર્ગની ગંગાનો પ્રવાહ : સૂરદાસજી
લેખક : ડૉ. કૃણાલ જોશીપ્રજ્ઞાચક્ષુ ભાગવત કથાકાર
જેવી રીતે ગંગા ગંગોત્રીમાંથી નીકળીને હરિદ્વાર, કાશી તથા સમગ્ર ભારતવર્ષની પવિત્ર ધરતીને પાવન કરતી સમુદ્રમાં લીન થાય છે, તેવી જ રીતે સૂરદાસજીની ભક્તિરૂપ ગંગા એવો પુષ્ટિપ્રવાહ હતો કે જેણે સમગ્ર માનવજીવનને પવિત્ર બનાવ્યું અને અંતે ઠાકોરજીમાં જ લીન થઈ ગયો.
સૂરદાસજીના બાળપણના પ્રસંગો સ્મરણમાં આવે છે. સૂરદાસજી જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા. તેમની પાસે એવી દિવ્ય શક્તિ હતી કે તેઓ ભૂતકાળની ઘટનાઓ કહી શકતા હતા. એક વખત એક વ્યક્તિ તેમની પાસે આવ્યો અને કહ્યું, “મારી ગાય ખોવાઈ ગઈ છે. કૃપા કરીને તેને શોધી આપો.” ત્યારે સૂરદાસજીએ કહ્યું, “તમે પૂર્વ દિશામાં જાઓ, તમારી ગાય મળી જશે.” તે વ્યક્તિ પૂર્વ દિશામાં ગયો અને તેને ખરેખર ગાય મળી ગઈ.
આ પ્રસંગ પછી સૂરદાસજીએ વિચાર કર્યો કે ભગવાને આપેલી આ દિવ્ય શક્તિનો ઉપયોગ લૌકિક કાર્યો માટે કરવો યોગ્ય નથી. આ શક્તિનો ઉપયોગ તો માત્ર ભગવાનના માર્ગે જ કરવો જોઈએ. એવો દૃઢ નિશ્ચય કરીને તેમણે પોતાના ઘરનો ત્યાગ કર્યો.
સૂરદાસજીની એકમાત્ર ઇચ્છા ભગવાન શ્રીકૃષ્ણને પામવાની હતી. ભગવાન સુધી પહોંચવાનો માર્ગ તેમને સમર્થ ગુરુના સ્વરૂપે પ્રાપ્ત થયો. તેમના સમર્થ ગુરુ હતા મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના અનુગ્રહથી તેમની ભક્તિગંગા પુષ્ટિમાર્ગના દિવ્ય પ્રવાહમાં પરિવર્તિત થઈ.
વિદ્વાનોનું માનવું છે કે સૂરદાસજીએ સવા લાખથી પણ વધુ કીર્તનોની રચના કરી હતી. એવું પણ કહેવાય છે કે કેટલાક કીર્તનો તેઓ પૂર્ણ કરી શક્યા નહોતા, પરંતુ ઠાકોરજીએ સૂરદાસજીના સ્વરૂપે પ્રગટ થઈ તે કીર્તનો પૂર્ણ કર્યા. જે કીર્તનોમાં “સૂર-શ્યામ” શબ્દ આવે છે, તે કીર્તનો શ્રીજીબાવાની પ્રસાદી માનવામાં આવે છે.
એક વખત સૂરદાસજી પગપાળા યાત્રા કરી રહ્યા હતા. યાત્રા દરમિયાન માર્ગમાં એક કૂવો આવ્યો. ભગવાનને ચિંતા થઈ કે મારો ભક્ત કૂવામાં પડી ન જાય. તેથી ઠાકોરજી બાલસ્વરૂપે પ્રગટ થયા, સૂરદાસજીનો હાથ પકડી તેમને સલામત રીતે કૂવાના માર્ગેથી પસાર કરાવ્યા. ત્યારબાદ ઠાકોરજીએ હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો. સૂરદાસજી તરત જ ભગવાનને ઓળખી ગયા અને કહ્યું, “તમે કોઈ સામાન્ય બાળક નથી. હું જેને મેળવવા ઝંખું છું તે શ્યામસુંદર તો આપ જ છો.”
ઠાકોરજીએ હાથ છોડાવી લીધો. તે સમયે સૂરદાસજીએ એક પંક્તિ રચી—
હાથ છોડા કે જાત હો, નિર્બળ જાન કે મોહે
હૃદય સે જબ જાઓગે, તબ મરદ બખાનૂં તોહે
આ પંક્તિનો ભાવ એ છે કે, “મારો હાથ છોડીને ભલે જાઓ, પરંતુ મારા હૃદયમાંથી જો જઈ શકો તો જ હું તમારી શક્તિ માનું
આ ભાવ જ સમજાવે છે કે “હું ભગવાનનો અને ભગવાન મારા; હું શ્રીજીનો અને શ્રીજી મારા.” એ જ પુષ્ટિમાર્ગનું તત્ત્વ છે. પુષ્ટિ એટલે અનુગ્રહ અને અનુગ્રહ એટલે કૃપા
પુષ્ટિપરંપરામાં ઠાકોરજીના અષ્ટસખા છે. તેમાં સૂરદાસજી પણ ભગવાનના પ્રિય સખા છે. તેમના ઉપર ઠાકોરજીની એવી કૃપા હતી કે જ્યારે તેઓ મંદિરમાં દર્શન કરવા જતા, ત્યારે ઠાકોરજીનો જે શૃંગાર થયો હોય, તે જ શૃંગારનું વર્ણન પોતાના કીર્તનોમાં કરતા.
એક પ્રસંગ મુજબ સૂરદાસજી વૃંદાવનમાં બિહારીજીના દર્શન કરવા ગયા. મંદિરમાં ભક્તોની ભારે ભીડ હતી. એક ભક્તે તેમને કહ્યું, “તમે અહીં શા માટે આવ્યા છો? ભીડમાં પડી જશો. તમને તો ભગવાન દેખાવાના પણ નથી
તેના જવાબમાં સૂરદાસજીએ કહ્યું, “ભલે હું ઠાકોરજીને જોઈ શકતો નથી, પરંતુ ઠાકોરજીની દૃષ્ટિ તો મારા ઉપર છે.”
આ પ્રસંગ આપણને સુંદર સંદેશ આપે છે. ઘણી વખત પ્રશ્ન થાય કે મંદિરમાં શા માટે જવું જોઈએ? તેનો ઉત્તર એ છે કે ભલે આપણે ભગવાનને ન જોઈ શકીએ, પરંતુ ભગવાનની કૃપાદૃષ્ટિ આપણા ઉપર પડે, એટલું જ આપણાં કલ્યાણ માટે પૂરતું છે.
સૂરદાસજી ભગવાનના એવા પ્રિય સખા છે કે આજે પણ વૈષ્ણવો ગિરિરાજજીની પરિક્રમા કરે છે ત્યારે તેમની બેઠક પર દર્શન કરવા જાય છે.
સૂરદાસજીએ શ્રીમદ્ ભાગવતના અનેક પ્રસંગો પોતાના કીર્તનોમાં અતિ ભાવપૂર્વક વર્ણવ્યા છે. ભગવાનની માખણચોરીની લીલાનું વર્ણન કરતાં તેમણે પ્રસિદ્ધ પદ રચ્યું
“મૈયા, મેં નહીં માખન ખાયો.”
આ પદમાં સૂરદાસજીએ યશોદામાતાને ભગવાન શ્રીકૃષ્ણના મુખેથી કહેવડાવ્યું છે કે, હે મૈયા! મેં માખણ ખાધું નથી
શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધના અધ્યાય ૪૬ અને ૪૭માં વર્ણવાયેલા ઉદ્ધવચરિત્રનો ભાવ પણ સૂરદાસજીએ પોતાના કીર્તનોમાં વ્યક્ત કર્યો છે. તેના શબ્દો છે
“બ્રજ બિસરત મોહિ નાહિ.”
ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને કહે છે, “હે ઉદ્ધવ! મને વ્રજ ક્યારેય ભૂલાતું નથી.”
એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. ભગવાન શ્રીકૃષ્ણની નજીક તો ઘણા લોકો રહ્યા, પરંતુ ભગવાનને સાચા અર્થમાં જો કોઈ પામી શક્યું હોય તો વ્રજની ગોપીઓએ પામ્યા છે.
સૂરદાસજીના સમગ્ર કીર્તનો આપણને એક જ સંદેશ આપે છે કે જ્યારે જીવનમાં શ્રીકૃષ્ણનો પ્રવેશ થાય છે, ત્યારે જીવનના બધા પ્રશ્નો સમાપ્ત થઈ જાય છે.
આપણે પણ પ્રભુપરાયણ બનીએ અને જીવનને ભક્તિમય બનાવીએ એ જ અભ્યર્થના
