
ગાંધીનગર :
કોરોના કાળ વચ્ચે રાજ્ય ચૂંટણી પંચ તરફથી આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની તારીખ જાહેર કરાઈ છે. રાજ્ય ચૂંટણીપંચના કમિશનર સંજય પ્રસાદે ચૂંટણી અંગેની જાહેરાત કરતા જણાવ્યુ કે, ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠકની આગામી 18મી એપ્રિલે ચૂંટણી યોજાશે. 20મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. 19 માર્ચેથી જ આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. 1 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હશે. જ્યારે 3 એપ્રિલે ઉમેદવારી પત્ર ચકાસણીની તારીખ છે. 5 એપ્રિલ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે મતદાન 18 એપ્રિલે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે. જ્યારે મતગણતરી 20 એપ્રિલના રોજ યોજાશે.
ગાંધીનગર મહાનગરપાલિકાના મતદારોની વાત કરવામાં આવે તો 1 લાખ 45 હજાર પુરુષ મતદાર, જ્યારે 1 લાખ 37 હજાર 285 સ્ત્રી મતદાર, 9 અન્ય મતદારો સહિત 2 લાખ 82 હજાર 988 મતદારો મતદાન કરશે. આ મતદારો કુલ 11 વોર્ડની 44 બેઠકો પર મતદાન કરશે. જે માટે 284 મતદાન મથક રાખવામાં આવેલ છે. જેમાંથી 69 સંવેદનશીલ મતદાન મથક તો 34 અતિસંવેદનશીલ મતદાન મથક છે. ચૂંટણીની પ્રક્રિયા માટે 5 ચૂંટણી અધિકારી અને 5 મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણુંક કરવામાં આવશે. જ્યારે 1575 મતદાન સ્ટાફ અને 1280 પોલીસ સ્ટાફ ફાળવવામાં આવશે.