Gandhi Ashram નવા રંગ-રૂપમાં અમદાવાદનો ગાંધી આશ્રમ: રિસ્ટોરેશન અંતિમ તબક્કામાં, 22 બિલ્ડિંગનું મ્યુઝિયમ જોવા 4થી 5 કલાક લાગશે

Gandhi Ashram નવા રંગ-રૂપમાં અમદાવાદનો ગાંધી આશ્રમ: રિસ્ટોરેશન અંતિમ તબક્કામાં, 22 બિલ્ડિંગનું મ્યુઝિયમ જોવા 4થી 5 કલાક લાગશે

Gandhi Ashram આજે 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે અમદાવાદનો ઐતિહાસિક ગાંધી આશ્રમ ફરી એકવાર ચર્ચામાં છે. વર્ષ 1917માં સાબરમતી નદીના કિનારે સ્થાપવામાં આવેલો આ આશ્રમ હવે ગાંધી આશ્રમ મેમોરિયલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ નવા રંગ-રૂપમાં વિકસાવવામાં આવી રહ્યો છે. આશ્રમનો મૂળ 5 એકર વિસ્તાર વધારીને 55 એકર કરવામાં આવ્યો છે.

પ્રોજેક્ટ હેઠળ આશ્રમની 36 મૂળ ઈમારતોનું મૂળ સ્થાપત્ય અને શૈલી જાળવીને રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે. જેમાં ગૌશાળા, સરદાર કુટીર, રંગશાળા, આશ્રમ શાળા, જૂનું રસોડું, ઉદ્યોગ મંદિર, યંગ ઈન્ડિયા, બાલ મંદિર, આનંદ ભવન, સોમનાથ છાત્રાલય સહિતની ઐતિહાસિક ઈમારતોનો સમાવેશ થાય છે.

Gandhi Ashram 36 ઐતિહાસિક ઈમારતોનું રિસ્ટોરેશન પૂર્ણતાના આરે

ગાંધી આશ્રમ કોરિડોર પ્રોજેક્ટમાં બિલ્ડિંગ રિસ્ટોરેશનનું કામ લગભગ 95 ટકા પૂર્ણ થઈ ગયું છે. જ્યારે પાથવે સહિતના અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આશરે 70 ટકા કામ પૂર્ણ થયું છે. હાલમાં પાથવે પર બ્લોક પાથરવા સહિતની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે.

આશ્રમની અંદરની 22 ઈમારતોમાં ગાંધીજીના જીવન, વિચારો, મૂલ્યો અને વિવિધ આંદોલનોને દર્શાવતું મ્યુઝિયમ તથા એક્ઝિબિશન તૈયાર કરવામાં આવશે. હાલમાં તેના કન્ટેન્ટની મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે. મંજૂરી બાદ અંદાજે ત્રણ મહિનામાં સ્થળ પર એક્ઝિબિશનનું કામ શરૂ થવાની માહિતી છે.

Gandhi Ashram ‘મોહન ટુ મહાત્મા’ ગાર્ડન બન્યું આકર્ષણનું કેન્દ્ર

આ સમગ્ર કેમ્પસમાં મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 6,998 વૃક્ષો, 63,986 શ્રબ્સ અને 1,03,178 ગ્રાઉન્ડ કવર પ્લાન્ટ્સ, એટલે કે કુલ 1.78 લાખથી વધુ છોડ-વૃક્ષો વાવવામાં આવ્યા છે.

કેમ્પસમાં બહારનો અવાજ ઓછો રહે તે માટે પેરીફેરી બફર ડેન્સ પ્લાન્ટેશન એટલે કે ‘વન કવચ’ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ‘મોહન ટુ મહાત્મા’ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ગાંધીજીના ‘મોહન’થી ‘મહાત્મા’ સુધીના જીવનપ્રવાસને વિવિધ તબક્કામાં રજૂ કરવામાં આવ્યો છે.

ગાંધીજીના જીવનના અલગ-અલગ તબક્કા દર્શાવવા માટે 10 અલગ રંગની થીમ સાથે છોડ અને વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ યાત્રાના અંતે લેક પણ બનાવવામાં આવ્યું છે. સાથે જ ગાંધીજીની પ્રતિકૃતિ એરિયલ વ્યૂથી દેખાય તે રીતે હર્બલ ગાર્ડન પણ વિકસાવવામાં આવ્યું છે.

Gandhi Ashram 250 કાર અને 25 બસ માટે પાર્કિંગ

પ્રોજેક્ટનો મુખ્ય પ્રવેશદ્વાર કલેક્ટર કચેરી તરફ રાખવામાં આવ્યો છે. અહીં પ્રવાસીઓ માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં આશરે 250 કાર અને 25 બસો પાર્ક થઈ શકશે.

પ્રવાસીઓની સુરક્ષા તપાસ બાદ તેમને પ્રવેશ આપવામાં આવશે. શરૂઆતમાં ઓરિએન્ટેશન સેન્ટર મારફતે મુલાકાત શરૂ થશે. ઓરિએન્ટેશન સેન્ટરનું કામ હાલમાં આશરે 60 ટકા પૂર્ણ થયું છે. મુખ્ય ગેટનું કામ પણ 60 ટકા પૂર્ણ થયું છે.

ઓરિએન્ટેશન સેન્ટરની સામે ખાદી ભંડાર/સોવેનિયર શોપ અને ફૂડ કોર્ટ પણ બનાવવામાં આવશે, જેથી પ્રવાસીઓ લાંબો સમય રોકાય તો તેમને નાસ્તા અને ભોજનની સુવિધા મળી રહે.

Gandhi Ashram આખું મ્યુઝિયમ જોવા 4થી 5 કલાકનો સમય લાગી શકે

ગાંધી આશ્રમના નવા સ્વરૂપમાં મુલાકાતીઓને મહાત્મા ગાંધીના જીવન, તેમના વિચારો, મૂલ્યો અને સ્વાતંત્ર્ય આંદોલનના વિવિધ પ્રસંગોની વિગતવાર માહિતી મળશે. 22 ઈમારતોમાં તૈયાર થનારા મ્યુઝિયમ-એક્ઝિબિશનને રસપૂર્વક જોવા માટે પ્રવાસીઓને ઓછામાં ઓછા 4થી 5 કલાકનો સમય લાગી શકે છે.

મ્યુઝિયમ ઉપરાંત કેમ્પસમાં વિશાળ પ્લાન્ટેશન, રેઇન ફોરેસ્ટ, ગાર્ડન અને અન્ય સુવિધાઓ પણ વિકસાવવામાં આવી રહી છે. ખાસ કરીને રેઇન ફોરેસ્ટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

હાલમાં ગાંધી આશ્રમની મુલાકાત માટે એન્ટ્રી ફી રાખવી કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેવાયો નથી.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *