FORCIBLY EVICTING LAND BY COMPANIES : ખાનગી સિમેન્ટ કંપનીઓ દ્વારા મુંધવાય-પાનધ્રોના ખેડૂતોની ભોગવટામાં રહેલી જમીન બળજબરીથી ખાલી કરાવાતી હોવાની ફરિયાદ

FORCIBLY EVICTING LAND BY COMPANIES : લખપત તાલુકાના મુંધવાય અને પાનધ્રો ગામના ખેડૂતોએ તેમની વર્ષોથી કબજામાં રહેલી જમીન ખાનગી કંપનીઓ દ્વારા બળજબરીથી ખાલી કરાવવામાં આવી રહી હોવાની ફરિયાદ કરી છે. આમ આદમી પાર્ટીના પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ ઝુઝારદાન ગઢવીની આગેવાનીમાં દયાપર ખાતે તાલુકા મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, અદાણી સિમેન્ટ, શ્રી સિમેન્ટ અને જે.કે. લક્ષ્મી સિમેન્ટ કંપનીઓને સરકાર દ્વારા લાઇમસ્ટોન માટે લીઝની જમીન ફાળવવામાં આવી છે. પરંતુ આ જમીનો પર મુંધવાય અને પાનધ્રો ગામના ખેડૂતોનો 30થી 50 વર્ષથી કબજો અને ભોગવટો છે.

ખેડૂતોની ફરિયાદ છે કે કંપનીને મુંધવાયમાં લીઝની જમીન મળી હોવા છતાં પાનધ્રો વિસ્તારના ખેડૂતોની જમીન પર બળજબરી કરવામાં આવે છે. વધુમાં, પાનધ્રો અને મુંધવાય ગામનું પ્રમોલગેશન (જમીન માપણી) થયેલ નથી અને અગાઉની માપણીમાં ખામીઓ હોવાનું જણાવાયું છે.
રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કંપનીના માણસો, સ્થાનિક કર્મચારીઓ અને પોલીસને સાથે રાખીને ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે. હાલમાં ચાલી રહેલી વરસાદની સિઝનમાં ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું છે, પરંતુ કોઈ નોટિસ આપ્યા વિના જમીન ખાલી કરાવવામાં આવી રહી છે.
ઈશા ઈશાક કુંભાર, ઈસ્માઈલ લુહાર, રામદેવસિંહ સોઢા, કરમ અલી જત, શિવુભા જાડેજા, કાસમ જત, મામદ જત સહિતના ખેડૂતોએ માંગ કરી છે કે પ્રથમ પ્રમોલગેશન થયા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવે. આ રજૂઆત મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને પણ મોકલવામાં આવી છે.