જસદણનાં ચિતલિયા રોડ પર રખડતા આખલાઓનો આતંક, ભયના માહોલ વચ્ચે દુકાનદારોએ શટર પાડ્યા

રખડતા આખલાઓનો આતંક : રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ અટકવાનું નામ લઈ રહ્યો નથી. શહેરીજનો લાંબા સમયથી આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે, આમ છતાં નગરપાલિકા દ્વારા આ અંગે નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ચિતલિયા રોડ પર બનેલી ઘટનાએ ફરી એકવાર આ મુદ્દાને સપાટી પર લાવી દીધો છે, જ્યાં બે આખલાઓની ભયાવહ લડાઈએ વાહનચાલકો અને સ્થાનિક દુકાનદારોમાં ભારે ભયનો માહોલ પેદા કર્યો છે.

રખડતા આખલાઓનો આતંક : જોઈ શકાય છે કે, જસદણના ચિતલિયા રોડ પર બે રખડતા આખલાઓ એકબીજા સાથે ભયાવહ રીતે બાખડી રહ્યા છે. આ લડાઈ એટલી ઉગ્ર હતી કે આસપાસ ઊભેલા વાહનોને પણ નુકસાન થયું હતું. જેમાં એક બાઈકને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે રાહદારીઓ તેમજ વાહન ચાલકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. અને લોકો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળોએ દોડી ગયા હતા. એટલું જ નહીં સ્થાનિક દુકાનદારોએ પણ પોતાની દુકાનોના શટર અડધા બંધ કરી દીધા હતા, કારણ કે આખલાઓની લડાઈ ગમે ત્યારે તેમની દુકાનો સુધી પહોંચી શકે તેમ હતી.
સ્થાનિકોનાં જણાવ્યા મુજબ જસદણ શહેરના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. સરદાર પટેલ નગર, ગંગા ભુવન, મેઈન રોડ, ચિતલિયા રોડ અને જૂના બસ સ્ટેન્ડ સહિતના મુખ્ય વિસ્તારોમાં રખડતા ઢોરના અડીંગા સામાન્ય બની ગયા છે. આવા ઢોર ઘણીવાર રસ્તાની વચ્ચે બેસી જાય છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. એટલું જ નહીં, રાત્રિના સમયે અંધારામાં આ ઢોર દેખાતા નહીં હોવાથી અકસ્માતોનું જોખમ પણ વધી જાય છે. અગાઉ આવા રખડતા ઢોરના કારણે અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે, જેમાં લોકોને ઈજાઓ પહોંચી છે અને વાહનોને નુકસાન થયું છે.
રખડતા આખલાઓનો આતંક : શહેરીજનો દ્વારા વારંવાર નગરપાલિકાને રખડતા ઢોરને પકડવા અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવા રજૂઆતો કરવામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે, નગરપાલિકા દ્વારા આ દિશામાં કોઈ સઘન કામગીરી કરવામાં આવતી નથી. ફક્ત દેખાવ પૂરતી કામગીરી કરીને સંતોષ માની લેવામાં આવે છે, જેના કારણે સમસ્યા યથાવત્ રહે છે. જસદણની જનતાની મુખ્ય માગ છે કે નગરપાલિકા રખડતા ઢોરને પકડવાની કામગીરીને વધુ સઘન બનાવે અને આ માટે કાયમી ધોરણે ટીમ તહેનાત કરે. જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો શહેરીજનોએ સતત ભયના ઓથાર હેઠળ જીવવું પડશે અને આગામી દિવસોમાં અકસ્માતોનું જોખમ પણ વધતું રહેશે.
રખડતા આખલાઓનો આતંક : આખલાઓની લડાઈથી સર્જાયેલી પરિસ્થિતિએ ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે જસદણ નગરપાલિકાએ આ અતિ ગંભીર સમસ્યાને પ્રાથમિકતા આપવી જોઈએ. શહેરીજનોની સુરક્ષા અને સુખાકારી માટે રખડતા ઢોરનો ત્રાસ અટકાવવો અત્યંત જરૂરી છે. જો વહેલી તકે આ અંગે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ ગંભીર અકસ્માતો સર્જાઈ શકે છે અને ટ્રાફિક સમસ્યા પણ વધુ વકરી શકે છે. ત્યારે હવે નગરપાલિકા તંત્ર દ્વારા આ મામલે ક્યારે અને શું પગલાં લેવાશે તે જોવું રહ્યું.