Feast In Sarli : સરલી ગામની સીમમાં આવેલ ઝીંઝુ ટીંબા પાસે મિજબાની માટે બે ઊંટના કતલ

Feast In Sarli : તાલુકાના સરલી ગામની સીમમાં આવેલ ઝીંઝુ ટીંબા પાસે મિજબાની માટે બે ઊંટના કતલ કરવામાં આવ્યા હતા. વહેલી સવારે સ્થાનિક પોલીસ ત્રાટકતા આરોપીઓ ભાગી છુટ્યા હતા અને સ્થળ પરથી પોલીસે 250 કિલો માંસ અને કતલ કરવા ઉપયોગમાં લીધેલા 15 છરી, કુહાડી, વાસણો, 6 વાહનો કબ્જે કર્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ માનકુવા પોલીસને બાતમી મળી હતી કે, સરલી ગામની સીમમાં કેટલાક લોકો પશુઓનું કતલ કરે છે અને આ પ્રવૃત્તિ હાલમાં ચાલુ છે. બાતમી મળતા જ પોલીસની ટીમ શુક્રવારે વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં સ્થળ પર જવા નીકળી હતી. ઝીંઝુ ટીંબા પાસે પોલીસ પહોંચી ત્યારે આરોપીઓ પલાયન થઇ ગયેલા હતા. સ્થળ પર તપાસ કરતા પોલીસને 250 કિલો ઊંટનો માંસ મળી આવ્યો હતો. અને ઊંટના કતલ કરવા માટે ઉપયોગમાં લેવાયેલ 15 છરી, એક કુહાડી અને એલ્યુમીનીયમના વાસણો મળી આવ્યા હતા.
Feast In Sarli : આરોપીઓ પોલીસ આવતી હોવાની જાણ થઇ જતા એક ટ્રેક્ટર, 4 બાઈક અને એક મોપેડ સ્થળ પર જ મુકીને ભાગી ગયા હતા. પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ કરતા કતલ કરાયેલા બે ઊંટના કપાયેલી હાલતમાં માથા મળી આવ્યા હતા. માનકુવા પોલીસે કુલ 7.53 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વાહનના માલિકો સામે પશુ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમની કલમ તળે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.