82 વર્ષની ઉંમરે જનાબ ખલીલ ધનતેજવીની અલવિદા, કલા સાહિત્યપ્રેમીઓ ઉંડા આઘાતમાં

કવિ-પત્રકાર, શાયર અને જીંદાદીલ ઇન્સાન જનાબ ખલીલ ધનતેજવીનું આજે દુ:ખદ નિધન થયું છે. તેઓ સારવાર લઈ રહ્યા દરમિયાન શ્વાસની તકલીફ થતા 82 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. ખલીલ ધનતેજવીની અનેક ગઝલો, કવિતાઓ, શાયરી રાજ્યની કેટલીય પેઢીને કંઠસ્થ છે. આજે તેમના નિધનના પગલે સાહિત્ય જગતને ન પૂરાય તેવી ખોટ પડી છે.

મૂળ વડોદરાના ધનતેજના વતની ખલીલ ધનતેજવીનું સાચું નામ ઈસ્માઈલ મકરાણી હતું. ફક્ત ચાર ચોપડી ભણેલા ખલીલ સાબ વડોદરામાં તેજસ્વી પત્રકાર તરીકે પણ કામગીરી કરી ચુક્યા છે. વર્ષ 2004માં તેમને કવિ કલાપી પુરસ્કાર અને વર્ષ 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર અને વર્ષ 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે…

ઝેરનો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો,
આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો.

હું કોઈ નું દિલ નથી, દર્પણ નથી, સપનું નથી,
તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો.

કંઈક વખત એવું બન્યું કે છેક અંતિમ શ્વાસ પર,
મોત ને વાતોમાં વળગાડીને હું સરકી ગયો.

માછલીએ ભરસભામાં ચીસ પાડીને કહ્યું,
તે મને વીંધી છે, મારી આંખ તું ચૂકી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *