પાકિસ્તાનની ફજેતી: ‘પાકિસ્તાન એરલાઇન્સના વિમાનમાં પ્રવાસ કરતા નહીં’, યુનોએ પોતાના કર્મચારીઓને તાકીદ કરાઈ

થોડા સમય પહેલાં પાઇલટોના બનાવટી લાયસન્સના અહેવાલ હતા

જાન્યુઆરી 2021 સોમવાર
યુનોએ પોતાના કર્મચારીઓને એવી તાકીદ કરી હતી કે સુરક્ષાને ખાતર પાકિસ્તાની એરલાઇન્સના કોઇ વિમાનમાં પ્રવાસ કરતા નહીં.  
થોડા સમય પહેલાં એવા રિપોર્ટ પ્રગટ થયા હતા કે પાકિસ્તાનની એરલાઇન્સના કેટલાક પાઇલટોના લાયસન્સ બનાવટી હતા એટલે કે આ પાઇલટો ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ લાવવા લઇ જવા માટે યોગ્ય ક્વોલિફિકેશન ધરાવતા નહોતા.
યુનોની યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી મેનેજમેન્ટ સિસ્ટમ (UNSMS ) દ્વારા આવી તાકીદ પોતાના કર્મચારીઓને કરવામાં આવી હતી. આમ દુનિયામાં પાકિસ્તાનની વધુ એકવાર ફજેતી થઇ હતી. 
આ સંસ્થાએ પાકિસ્તાનના મુલકી ઉડ્ડયન વિભાગ (સિવિલ એવિયેશન ઑથોરિટી) દ્વારા પાઇલટોના બનાવટી લાયસન્સ અંગે ચાલી રહેલી તપાસને ઘ્યાનમાં રાખીને પાકિસ્તાનમાં રજિસ્ટર્ડ હોય એવા એર ઓપરેટર્સને પણ ચેતવણી પાઠવી હતી.
અત્રે એ યાદ કરવા જેવું છે કે ગયા વરસે પાકિસ્તાનના કરાચી શહેરમાં એક વિમાન અકસ્માત થયો હતો. એે સમયે પાકિસ્તાનના એક જવાબદાર પ્રધાને એવું નિવેદન કર્યું હતું કે પાકિસ્તાનના ઘણા પાઇલટોના લાયસન્સ બોગસ હતા. પાકિસ્તાનની સંસદમાં પણ એવી જાહેરાત કરાઇ હતી કે પાકિસ્તાન એરલાઇન્સના ઘણા પાઇલટો દાણચોરીમાં સંડોવાયા હતા.
UNSMSની આ ગાઇડ લાઇન્સ પાકિસ્તાનની તમામ એરલાઇન્સને લાગુ પડતા તા એમ પણ જણાવવામા આવ્યું હતું. UNSMSએ જણાવ્યું હતું કે યુનોના કોઇ કર્મચારી પાકિસ્તાનની અંદર ડોમેસ્ટિક પ્રવાસમાં પણ પાકિસ્તાની એરલાઇન્સનો ઉપયોગ ન કરે એ તેમના પોતાના હિતમાં છે.
ગયા વરસે કરાચીના એક રહેઠાણ વિસ્તારમાં એક વિમાન તૂટી પડ્યા બાદ ખુદ પાકિસ્તાનના એક જવાબદાર પ્રધાને એવું નિવેદન કર્યું હતું કે ઓછામાં ઓછા 40 ટકા પાકિસ્તાની પાઇલટોના લાયસન્સ બોગસ હતા.
એ પછી તો પાકિસ્તાની એરલાઇન્સનાં બીજાં કેટલાંક કૌભાંડ પણ બહાર આવ્યાં હતાં. વડા પ્રધાન ઇમરાન ખાનના પક્ષના પ્રવક્તાએ જાહેરમાં કહ્યું હતું કે પાકિસ્તાની એરલાઇન્સના કર્મચારીઓ દાણચોરીમાં સંડોવાયેલા હતા અને ગુનો કરતાં પકડાયા પણ હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *