કોરોનાએ માથું ઉચક્યું:સ્કૂલોમાં નોંધાતા કોરોનાના કેસોએ વાલીઓ-શિક્ષકોની ચિંતા વધારી….. 

કોરોના વાયરસના કેસો ઓછા થતા રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું હતું. આ બાદ તબક્કાવાર અન્ય ધોરણના ક્લાસ શરૂ થયા. જોકે મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થયા બાદ રાજ્યના અલગ-અલગ શહેરો અને જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જેને લઇને વાલીઓ, વિદ્યાર્થીઓની તથા શિક્ષણ જગતમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે પહેલીવાર શિક્ષણ મંત્રી તરફથી શાળામાં કોરોનાનું સંક્રમણ ફેલાવવા બાબતે SOPનું ચૂસ્ત પાલન કરાવવા તથા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કોરોના થવા પર તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરાવી કરાઈ હોવાનું જણાવ્યું હતું.
સ્કૂલોમાં કોરોનાના કેસ પર શિક્ષણમંત્રીની પ્રતિક્રિયા
શિક્ષણ મંત્રીએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સ્કૂલોમાં કોરોનાના કેસ મળી આવતા શિક્ષણ વિભાગ સક્રિય થયું છે અને સ્કૂલોમાં કરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે કોવિડ સંદર્ભેની SOPનું ચુસ્ત પાલન થાય તે માટે આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ જે બાળકો અને શિક્ષકો સંક્રમિત થયા તેમને તાત્કાલિક સારવાર મળે તેવી વ્યવસ્થા કરાવામાં આવી રહી છે. ઉપરાંત ભવિષ્યમાં કોરોના સંક્રમણ ન ફેલાય, તે માટે શિક્ષણ અને આરોગ્ય વિભાગ સંકલનમાં હોવાનો દાવો તેમણે કર્યો અને સંક્રમણ શૂન્ય થાય તેવા પ્રયાસ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

11મી જાન્યુ.થી સ્કૂલોમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત
રાજ્યમાં 11મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલોમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ હતી. ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ થયા બાદ હકારાત્મક વાતાવરણ રહેતા તબક્કાવાર ધોરણ 8, 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો શરૂ કરવામાં આવી હતી. જોકે હવે રાજ્યમાં ધીમે ધીમે ફરી એકવાર કોરોનાના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે સ્કૂલોમાં પણ કોરોનાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેને લઈ શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે.
ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ઉછાળો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થયા બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે રાજ્યના 5 જિલ્લામાં શૂન્ય કેસ હતા. તેમ છતાં છેલ્લા 24 કલાકમાં 555 કેસ નોંધાયા હતા. જ્યારે 482 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા હતા અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 4,416 થયો હતો. આ સાથે જ રાજ્યનો કુલ રિકવરી રેટ 97.22 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 16 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. તેમજ રાજ્યમાં 6 માર્ચે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 3 હજારને પાર થયો હતો અને હાલ 3212 એક્ટિવ કેસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *