
રાજકોટ :
રાજકોટના સાથી સેવા ગ્રુપની વધુ એક સરાહનીય કામગીરી જોવા મળી છે. જેમાં રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા સરલાબેનનું વજન 300 કિલો આસપાસ હોવાને કારણે હરીફરી શકતા ન હતા. છેલ્લા 15થી 20 દિવસથી એક જ રૂમમાં રહેતા હતા. તેમનું શરીર સડી જવાને કારણે તેઓ અસહ્ય પીડા સહન કરી રહ્યાં હતા. પરંતુ સરલાબેનની મદદે રાજકોટનું સાથી સેવા ગ્રુપ આવ્યું હતું. સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમ તેમના ઘરે પહોંચી હતી અને તેમને ફાયરબ્રિગેડની મદદથી ગાડીમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સરલાબેનના પતિ દુબઇમાં મજૂરી કામ કરી રહ્યાં છે.
જલ્પાબેન પટેલે સરલાબેનને હોસ્પિટલ ખસેડવા માટે પહેલા ત્રણ એમ્બ્યુલન્સ મંગાવી હતી. પરંતુ તેમનું વધારે વજન અને શરીરની દયનીય સ્થિતિ જોઇ એમ્બ્યુલન્સમાં રાખવામાં મુશ્કેલી ઉભી થઇ હતી. બાદમાં જલ્પાબેન પટેલે રાજકોટ ફાયરબ્રિગેડની મદદથી તેમની ગાડીમાં સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલમાં પણ બેડ પર સુવડાવાને બદલે નીચે સુવડાવવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. આથી સાથી સેવા ગ્રુપે રોષ વ્યક્ત કરતા બેડ પર સુવડાવવામાં આવ્યા હતા.