
ત્રિકોણબાગ ખાતે કરૂણા ફાઉન્ડેશન દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરાઇ
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી છેલ્લ ચાર વર્ષથી મકર સંક્રાતિના પર્વમાં પતંગની દોરોથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરી પક્ષીઓના જીવ બચાવવાની સંવેદનાપૂર્ણ કામગીરી કરવામાં આવે છે.
રાજકોટમાં કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા બિનવારસી પશુ-પક્ષીની વિનામૂલ્યે સારવારની કામગીરી કરવામાં આવે છે. મકર સંક્રાતિના પર્વમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે ખાસ હેલ્પલાઇન અને રેસ્ક્યુ કેમ્પ પશુ તબીબોની ટીમ સાથે કરવામાં આવે છે.
રાજકોટમાં ત્રિકોણબાગ ચોકમાં આ માટે કેમ્પ રાખી ત્યાં ઘાયલ પક્ષીઓને લાવી સારવાર કરવામાં આવી હતી.
રાજકોટના કલેક્ટરશ્રી રેમ્યા મોહન, અધિક કલેક્ટરશ્રી પરિમલ પંડયા તેમજ વિભાગના ડી.સી.એફ સહિતના અધિકારીઓએ ત્રિકોણબાગ ખાતે ઘાયલ પક્ષીઓની થતી સારવારની કામગીરી નિહાળી હતી. અને સંસ્થાના મિતલભાઇ ખેતાણી, પ્રતિકભાઇ સંઘાણી, ઘનશ્યામભાઇ, રમેશભાઇ સહિતના કાર્યકર્તાઓની આ સેવાકીય કામગીરીને આવકારી હતી. કલેક્ટરશ્રી રેમ્યા મોહને આ તકે જણાવ્યું હતું. કે જિલ્લા વહીવટીતંત્ર અને જીવદયાપ્રેમી સંસ્થાઓના સહયોગથી સરકારના માર્ગદર્શન હેઠળ કરૂણા અભિયાનને બહોળો પ્રતિસાદ આપ્યો છે. આ વર્ષે ગયા વર્ષ કરતા ઓછા પક્ષીઓ ધાયલ થયાં છે. તેઓએ પશુ તબીબોને પણ સેવાકીય કામગીરી બદલ બિરદાવ્યા હતા.