
ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સીટી) ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા IBM ઇન્ડિયા સોફ્ટવેર લેબ્સનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારતે ગ્લોબલ આઇટી ઇકોસિસ્ટમમાં લીડર તરીકે પોતાની ઓળખ બનાવી છે ત્યારે હવે ગુજરાત વિશ્વ સાથેની સ્પર્ધામાં પ્રવેશી ચૂક્યું છે.


છ મહિનામાં ગુજરાતમાં ૧૫થી વધારે MOU થયા
ભારતીય IT ક્ષેત્રે રોજગાર અને આર્થિક મૂલ્ય નિર્માણના સંદર્ભમાં વૈશ્વિક IT લેન્ડસ્કેપમાં આપણા રાષ્ટ્રને નેતૃત્વની સ્થિતિએ સ્થાન અપાવ્યું છે. ગુજરાતમાં ફેબ્રુઆરી-૨૦૨૨માં ગુજરાત IT/ITeS નીતિ (૨૦૨૨-૨૭) લોન્ચ કરવામાં આવી હતી અને ત્યાર બાદ ટૂંકા સમયગાળામાં IT ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ ગુજરાતમાં થયા છે. છેલ્લા છ મહિનામાં ગુજરાતમાં 15થી વધારે MOU થયા છે.
એડવાન્સ રિસર્ચ અને ઇનોવેશન ફેસિલિટી સોફ્ટવેર લેબના પ્રારંભથી અનેક ફાયદા
જીતુ વાઘાણીએ વધુમાં ઉમેર્યું કે, ટોચની IT કંપની IBM એ એડવાન્સ રિસર્ચ અને ઇનોવેશન ફેસિલિટી સોફ્ટવેર લેબનો ગિફ્ટ સિટીમાં પ્રારંભ કર્યો છે. આ લેબ ઉચ્ચ ગુણવત્તાયુક્ત કૌશલ્ય નિર્માણને વેગ આપશે અને ગુજરાતના કુશળ યુવા આઈટી પ્રોફેશનલ્સ માટે નોકરીઓનું સર્જન કરવામાં મદદ કરશે. ગુજરાત IT/ITeS પોલિસી અંતર્ગત AI, CLOUD, IoT, બ્લોકચેન જેવી નવીન ટેક્નોલોજીઓમાં જાગૃતતા ધરાવતા કુશળ IT મેનપાવર તૈયાર કરવા અને તેમના માટે મૂલ્ય આધારિત નવીનતા માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે.

રાજ્યના ડિજિટલ પરિવર્તનને વેગ આપશે
મંત્રી નવી IBM ઇન્ડિયા સૉફ્ટવેર લેબ રાજ્યની ડિજિટલ મહત્ત્વાકાંક્ષાઓને ઉત્પ્રેરિત કરશે, તે ઉપરાંત યુવાનો માટે નોકરીની નવીન તકો પણ ઊભી કરશે અને તેના ટેક-સેવી વ્યાવસાયિકોની ડિજિટલ કુશળતાને મજબૂત કરી રાજ્યના ડિજિટલ પરિવર્તનને વેગ આપશે. રાજ્યમાં અનેક યુવા પ્રતિભાઓ છે જે ડિજિટલ ટેક્નોલોજીમાં અત્યંત કુશળ છે અને નાગરિકો અને વ્યવસાયોને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માટે કામ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નહેરા, ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર તપન રે, IBM કંપનીના સિનિયર વાઇસ પ્રેસડેન્ટ ટોમ રોસામેલિયા, સીએચઆરઓ નિકલ લેમોરા, IBM સોફ્ટવેરના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગૌરવ શર્મા સહિત IBMના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.