
અરવલ્લી :
શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં હવે ટૂંકા વસ્ત્રો પહેરી આવતા યાત્રિકોને શામળાજી મંદિરમાં પ્રવેશ મળશે નહીં. ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં જવા પર શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રતિબંધ લગાવી દેવાયો છે. જે યાત્રીએ ટૂંકા વસ્ત્રો પહેર્યા હશે. તેને પિતંબાર અપાશે. અને પિતંબાર પહેર્યા બાદ જ તેમને મંદિરમાં પ્રવેશ અપાશે.

શામળાજી મંદિરના પ્રાંગણમાં મૂકવામાં આવેલ બોર્ડ પર સૂચના લખાઈ છે કે, દર્શને આવતા ભાઈઓ તથા બહેનોનો વિનંતી કે, ટૂંકા વસ્ત્રો તથા બરમુડા પહેરીને મંદિરમાં પ્રવેશ કરવુ નહિ. તેમજ માસ્ક પહેરવુ પણ ફરજિયાત છે. જોકે, સાથે જ ટ્રસ્ટે કહ્યું કે, ટૂંકા વસ્ત્રો પહેરી આવતા યાત્રિકોને પિતામ્બર લપેટ્યા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે.
આ વિશે શામળાજી મંદિર ટ્રસ્ટના વાઈસ ચેરમેન રણવીરસિંહ ડાભીએ જણાવ્યું કે, ટ્રસ્ટ દ્વારા હવેથી ટૂંકા વસ્ત્રો પહેરી આવતા યાત્રિકોને મંદિરમાં પ્રવેશ નહિ આપવાનો નિર્ણય કરાયો છે. યાત્રિકને મંદિરમાં દર્શન કરવા હશે તો મંદિર ટ્રસ્ટની ઓફિસમાંથી પિતાંબર લઈ અને તેને લપેટ્યા બાદ જ મંદિરમાં ભગવાનના દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયને યાત્રિકોએ પણ આવકાર્યો છે.