હારીજની કે.પી. હાઈસ્કુલ ખાતે કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે વેલકમ કીટ સાથે શાળાના વિદ્યાર્થીઓને આવકાર્યા

સત્રના બાકી રહેલા સમયનો સદઉપયોગ કરી વિદ્યાર્થીઓએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયત્નબદ્ધ થવાનું છે – કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર


હારીજ કેળવણી મંડળ હસ્તકની કે.પી.હાઈસ્કુલ ખાતે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ કરાવવામાં આવ્યો. કોવિડ-૧૯ની માર્ગદર્શિકાઓનું પાલન થાય તે માટે વિદ્યાર્થીઓને માસ્ક અને સેનેટાઈઝરની વેલકમ કીટ પણ આપવામાં આવી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, સમગ્ર વિશ્વને ભરડામાં લેનારી કોરોના વાયરસ મહામારીને નાથવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમયાંતરે લોકડાઉન અને ક્રમશઃ અનલૉક ઘોષિત કરવામાં આવ્યું. જેના પરિણામસ્વરૂપ શાળામાં શિક્ષણ કાર્ય સ્થગીત કરવામાં આવ્યું હતું. આજે દસેક મહિનાના અંતરાલ બાદ ફરી શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી બેઠક વ્યવસ્થા સહિતના આયોજનથી વિદ્યાર્થીના આરોગ્યની પુરતી તકેદારી જાળવવામાં આવશે.
વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન પહોંચે તે માટે કેબિનેટ દ્વારા શાળાઓ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સત્રના બાકી રહેલા સમયનો સદઉપયોગ કરી વિદ્યાર્થીઓએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયત્નબદ્ધ થવાનું છે.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એ.પી.ઝાલાએ જણાવ્યું કે, લોકડાઉનના સમયમાં પણ શિક્ષણની જ્યોત જલતી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ડી.ડી. ગીરનાર અને વંદે ગુજરાત ચેનલોના માધ્યમથી શિક્ષણ આપવા ઉપરાંત ઑનલાઈન શિક્ષણને પણ પ્રાધાન્ય આપ્યું. આજથી શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થઈ રહ્યું છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો કાપ મુકવામાં આવ્યો છે અને પરિક્ષા પણ આ અભ્યાસક્રમ મુજબ જ લેવાશે.
વિદ્યાર્થી આવકાર કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર તથા મહાનુભાવોના હસ્તે શાળાના વિદ્યાર્થીઓને માસ્ક અને સેનેટાઈઝર સાથેની વેલકમ કીટ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમની પૂર્ણાહૂતિ બાદ સોશિયલ ડિસ્ટન્સ જાળવી કરવામાં આવેલી બેઠક વ્યવસ્થા મુજબ શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓની પણ મંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, ૨૯૪ દિવસના લાંબા અંતરાલ બાદ આજથી પાટણ જિલ્લાની ૨૬૫ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૩૨,૫૦૦ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ પ્રસંગે જિલ્લા સંગઠન પ્રમુખશ્રી દશરથજી ઠાકોર, હારીજ કેળવણી મંડળના પ્રમુખશ્રી હસમુખભાઈ ઠક્કર, સંસ્થાના ટ્રસ્ટીગણ, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *