
ભુજમાં મધરાતે રસ્તા પર રક્તરંજિત મારામારી, વાયરલ વીડિયો બાદ પોલીસ એક્શનમાં
ભુજ: શહેરના જ્યુબિલી સર્કલથી વી.ડી. તરફ જતા માર્ગ પર સંતોષી માતાના મંદિર નજીક ગત મધ્યરાત્રે બે મિત્રોના જૂથ વચ્ચે થયેલી લોહિયાળ મારામારીથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જાહેર માર્ગ પર થયેલી આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર શહેરમાં આ બનાવ ચર્ચાનો વિષય બન્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી બી-ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બંને પક્ષના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ આજે સાંજે પોલીસ દ્વારા આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન (જાત તપાસ) કરાવવામાં આવ્યું હતું.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ દિનેશ જોશીએ કપિલ કલ્યાણ ચૌહાણ, રવિગિરિ ગુસાઈ અને કનકસિંહ ઉર્ફે લાલો સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે કપિલ ચૌહાણે દિનેશ જોગી તથા તેના બે અજાણ્યા સાથીદારો સામે સામસામી ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બંને પક્ષો અગાઉ મિત્ર હતા. આશરે 10થી 15 દિવસ પહેલાં દિનેશે ભાઈબંધીના નાતે કપિલ પાસે તેની ઇકો કાર માંગી હતી, પરંતુ કપિલે ના પાડી હતી. ત્યારબાદ કપિલે સોશિયલ મીડિયા પર મૂકેલા સ્ટેટસને લઈને દિનેશને મનદુઃખ થયું હતું. આ મુદ્દે બંને વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આખરે બંને જૂથોએ મધ્યરાત્રે સંતોષી માતાના મંદિર પાસે મુલાકાત કરી, જ્યાં શરૂ થયેલી બોલાચાલી થોડી જ વારમાં લોહિયાળ મારામારીમાં ફેરવાઈ હતી. ઘટનામાં બંને પક્ષના કેટલાક લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર કેસમાં બી-ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. એ.એમ. હેરમા, પી.એસ.આઈ. એમ.એચ. પટેલ, પોલીસ સ્ટાફના ડાહ્યાભાઈ ગઢવી તેમજ ડી-સ્ટાફના કર્મચારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ બનાવની હકીકતનું પુનઃનિર્માણ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
