
અમદાવાદમાં ફરી દીપડાની દહેશત! શેલા બાદ ઝુંડાલ-ચાંદખેડામાં દેખાયો હોવાનો દાવો, સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ
અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી દીપડાની હાજરીને લઈને નાગરિકોમાં ભય અને કૂતુહલનો માહોલ સર્જાયો છે. શેલા વિસ્તારમાં દીપડો જોવા મળ્યાના બનાવ બાદ હવે ત્યાંથી અંદાજે 26 કિલોમીટર દૂર ઝુંડાલ-ચાંદખેડા વિસ્તારમાં પણ દીપડો દેખાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 20 જુલાઈની રાત્રે ઝુંડાલથી ચાંદખેડા તરફ માધવ હોમ્સ સામે દીપડો જોવા મળ્યાની તસવીરો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ અગાઉ 19 જુલાઈની મોડી રાત્રે ઘુમા વિસ્તારમાં આવેલી શરણદીપ સોસાયટીમાં દીપડો બંગલાની દીવાલ કૂદીને અંદર ઘૂસ્યો હતો. સોસાયટીના કૂતરાઓ દીપડાની પાછળ દોડતા તે વિસ્તાર છોડીને ભાગી ગયો હતો. આ ઘટનાના સીસીટીવી દૃશ્યો સામે આવ્યા બાદ ઘુમા, શેલા અને બોપલ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે દહેશત ફેલાઈ હતી.
હવે શેલા-ઘુમા વિસ્તારથી લગભગ 26 કિલોમીટર દૂર ઝુંડાલ-ચાંદખેડામાં પણ દીપડો દેખાયો હોવાના દાવા બાદ વનવિભાગ અને સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે. હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી તસવીરોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તે જ દીપડો આ વિસ્તારમાં પહોંચ્યો છે કે શહેરમાં અન્ય કોઈ દીપડો પણ ઘૂસી આવ્યો છે, તે અંગે વિવિધ અટકળો ચાલી રહી છે.
સ્થાનિક રહિશો વનવિભાગ પાસે સમગ્ર મામલે વહેલી તકે સ્પષ્ટતા કરવાની અને જરૂરી સર્ચ ઓપરેશન ચલાવી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી રહ્યા છે. અમદાવાદ જેવા ગીચ શહેરમાં દીપડાની સંભવિત હાજરીને લઈને લોકોમાં ચિંતા વ્યાપી છે.
