
ભુજથી માંડવી રેલ્વે જોડાણની સુવિધા ઝડપથી આપવા ભારતના રેલ્વેમંત્રી માનનીય અશ્વિની વૈષ્ણવ સાહેબની ખાત્રી
કચ્છ જિલ્લાના સાંસદ, માંડવીના ધારાસભ્ય, માંડવી સર્વાંગી વિકાસ પરિષદ તથા ભુજની ફોકિયા સંસ્થાના પદાધિકારીઓના બનેલા એક વગદાર પ્રતિનિધિ મંડળે ગુરુવારે દિલ્હીમાં ભારતના રેલ્વેમંત્રીને રૂબરૂ મળી ભુજ–માંડવી રેલ્વે જોડાણ અંગે જોરદાર રજૂઆત કરી
ભુજથી માંડવી રેલ્વે જોડાણથી માત્ર માંડવી નહીં પરંતુ સમગ્ર કચ્છ જિલ્લાનો સર્વાંગી વિકાસ થશે

કચ્છ જિલ્લાના કાર્યશીલ સાંસદ માનનીય વિનોદભાઈ ચાવડા સાહેબની આગેવાની હેઠળના એક વગદાર પ્રતિનિધિ મંડળે ભુજથી માંડવી રેલ્વે જોડાણની સુવિધા ઝડપથી અમલમાં મૂકવા માટે ભારતના રેલ્વેમંત્રી માનનીય અશ્વિની વૈષ્ણવ સાહેબને દિલ્હીમાં રેલ્વે મંત્રાલય ખાતે રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી હતી.
આ પ્રતિનિધિ મંડળમાં માંડવીના લોકપ્રિય ધારાસભ્ય માનનીય અનિરુદ્ધભાઈ દવે સાહેબ, માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત “માંડવી સર્વાંગી વિકાસ પરિષદ” ના ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા, મંત્રી દિનેશકુમાર મણીલાલ શાહ, કારોબારી સભ્ય તથા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના ખજાનચી ચંદ્રશેનભાઈ કોટક તેમજ ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિયા) ના એમ.ડી. તથા ચેરમેન નિમેષભાઈ ફળકે અને ઝેડ.યુ.સી.સી.ના ચેરમેન ભાવિનભાઈ ઠક્કર જોડાયા હતા. આ અંગે માંડવી ચેમ્બર ઓફ કોમર્સ તથા માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશીએ માહિતી આપી હતી.
ભુજથી માંડવી રેલ્વે જોડાણ માટે કચ્છના સાંસદ, માંડવીના ધારાસભ્ય, માંડવી સર્વાંગી વિકાસ પરિષદ તથા ફોકિયા (ભુજ) તરફથી કુલ ચાર લેખિત રજૂઆતો રેલ્વેમંત્રી સમક્ષ કરવામાં આવી હતી.
કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા સાહેબ તથા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સાહેબે જણાવ્યું હતું કે, લોકલાડીલા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની કચ્છ જિલ્લાપ્રત્યેની વિશેષ લાગણીના પરિણામે કચ્છ જિલ્લાના ૧૦ માંથી ૯ તાલુકાઓને રેલ્વે સેવાની સુવિધા પ્રાપ્ત થઈ છે, જ્યારે માત્ર માંડવી તાલુકો હજુ રેલ્વે જોડાણથી વંચિત છે. તેથી ભુજથી માંડવી રેલ્વે જોડાણ તાત્કાલિક શરૂ કરવું અત્યંત આવશ્યક છે.
માંડવી સર્વાંગી વિકાસ પરિષદના ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યાએ રેલ્વેમંત્રી સમક્ષ આંકડાકીય માહિતી સાથે વિગતવાર લેખિત રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, માંડવી તાલુકામાં HPCL તથા GHCL જેવા મોટા ઉદ્યોગો કાર્યરત થવાના આરે છે અને આગામી ચાર વર્ષમાં ઉત્પાદન શરૂ થવાની શક્યતા છે. ઉપરાંત માંડવી તાલુકો ખનિજ સંપત્તિથી સમૃદ્ધ છે, જ્યાંથી દર વર્ષે લાખો મેટ્રિક ટન બેન્ટોનાઈટ, બોકસાઈટ અને લેટેરાઈટ જેવા ખનિજ રોડ માર્ગે સમગ્ર દેશમાં મોકલવામાં આવે છે. રેલ્વે જોડાણ ઉપલબ્ધ થતાં આ તમામ ખનિજોની હલચલ રેલ્વે માર્ગે શક્ય બનશે, ખર્ચમાં ઘટાડો થશે, વેપારમાં વધારો થશે અને સમગ્ર કચ્છ જિલ્લાનો સર્વાંગી વિકાસ શક્ય બનશે.
રજૂઆતના પ્રતિસાદરૂપે રેલ્વેમંત્રી માનનીય અશ્વિની વૈષ્ણવ સાહેબે તાત્કાલિક કચ્છ જિલ્લાનો નકશો મંગાવી પ્રતિનિધિ મંડળની હાજરીમાં તેનો અભ્યાસ કર્યો હતો. સાથે જ પોતાના પી.એ.ને ભુજથી માંડવી રેલ્વે જોડાણ અંગેનો ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) મંગાવી તેનો અહેવાલ તૈયાર કરીને કેન્દ્ર સરકારની આગામી કેબિનેટ બેઠકમાં મંજૂરી માટે રજૂ કરવા સૂચના આપી હતી.
આ ઉપરાંત માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સાહેબે ભુજ–માંડવી “વંદે ભારત” ટ્રેન શરૂ કરવા તેમજ અમદાવાદથી કોલકાતા “દુરંતો એક્સપ્રેસ” શરૂ કરવા બાબતે પણ રેલ્વેમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.
આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા સાહેબ, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સાહેબ તથા ફોકિયા (ભુજ) ના નિમેષભાઈ ફળકે અને ભાવિનભાઈ ઠક્કરે રેલ્વેમંત્રીને મોમેન્ટો અર્પણ કર્યો હતો. તેમજ માંડવી સર્વાંગી વિકાસ પરિષદના ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા અને કારોબારી સભ્ય ચંદ્રસેનભાઈ કોટકે કચ્છી પાઘડી પહેરાવી અને સાલ ઓઢાડી રેલ્વેમંત્રીશ્રીનું ભાવપૂર્વક સન્માન કર્યું હતું.
પ્રતિનિધિ મંડળની રજૂઆત પ્રત્યે સકારાત્મક અભિગમ દાખવતા રેલ્વેમંત્રી માનનીય અશ્વિની વૈષ્ણવ સાહેબે ભુજથી માંડવી રેલ્વે જોડાણની સુવિધા ઝડપથી મંજૂર કરવા ખાતરી આપી હતી. વર્ષો જૂનો આ પ્રશ્ન હવે તાત્કાલિક હલ થવાની આશા સાથે માંડવીના નગરજનોમાં આનંદની લાગણી ફેલાઈ હોવાનું માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશી અને મંત્રી દિનેશભાઈ શાહે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું.