
ભગવાન ગણેશજીનાં દિવ્ય નામોનો મહિમા
સુમુખથી સિદ્ધિવિનાયક સુધી, દરેક નામમાં છુપાયેલું જીવનનું રહસ્ય
લેખક : પ્રજ્ઞાચક્ષુ ભાગવત કથાકાર ડો. કુણાલ જોષી
આપણું શરીર પંચતત્ત્વોથી બનેલું છે આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. એમાં પૃથ્વી તત્ત્વના જો કોઈ દેવ હોય તો તે ભગવાન ગણેશજી છે.
ભગવાન ગણેશજી અનાદિ દેવ છે. મહાદેવજીને ત્યાં પુત્ર સ્વરૂપે તો પ્રગટ્યા જ, પરંતુ ભગવાન ગણેશજીનું સ્વરૂપ અનાદિ છે. જેવી રીતે હનુમાનજી મહારાજ ચારે યુગોમાં બિરાજમાન છે હનુમાન ચાલીસામાં શબ્દ છે, “ચારેય યુગ પ્રતાપ તુમ્હારા” એવી જ રીતે ભગવાન ગણેશજી પણ ચારે યુગમાં બિરાજમાન છે.
સતયુગમાં ભગવાન ગણેશજી મહોત્કટ સ્વરૂપે પ્રગટ્યા. આ સ્વરૂપ કશ્યપ મુનિ અને અદિતિ માતાજીને ત્યાં પ્રગટ્યું. આ સ્વરૂપમાં ભગવાન ગણેશજીએ નરાંતક અને દેવાંતક નામના બંને અસુરોનો વધ કર્યો.
ત્રેતાયુગમાં ભગવાન ગણેશજી મયૂરેશ્વર સ્વરૂપે પ્રગટ્યા. દ્વાપરયુગમાં ભગવાન ગણેશજીનું સ્વરૂપ ગજાનન સ્વરૂપે પ્રગટ્યું. કળિયુગમાં ભગવાન ગણેશજીનું સ્વરૂપ ધૂમકેતુ સ્વરૂપે માનવામાં આવે છે.
આમ, ભગવાન ગણેશજી અનાદિ દેવ તરીકે સમગ્ર જગતનું કલ્યાણ કરવાવાળા છે.

ભગવાન ગણેશજીનું એક નામ સુમુખ છે. આ સુમુખ નામ સૌને સમજાવે છે કે જીવનમાં હંમેશાં મીઠી વાણી બોલવી જોઈએ. કહેવાય છે કે, “જેની જીભમાં અમી, એને દુનિયા નમી.” સુમુખ નામ આપણને મીઠી વાણીનું મહત્વ સમજાવે છે.
ભગવાન ગણેશજીનું એક નામ વિઘ્નેશ્વર છે. ભગવાનનું નામ વિઘ્નેશ્વર એટલા માટે છે કે ભગવાન ગણેશજી વિઘ્ન હરતા પણ છે અને વિઘ્ન કરતા પણ છે. જે વિઘ્ન હરી શકે અને વિઘ્ન કરી પણ શકે એવું સામર્થ્ય ભગવાન ગણેશજીમાં છે. માટે આપણા દરેક કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે કળિયુગમાં ભગવાન ગણેશજીની ઉપાસનાને સર્વોત્તમ ઉપાસના કહેવામાં આવી છે.
ભગવાન ગણેશજીનું પ્રાગટ્ય પાર્વતી માતાજીને ત્યાં થયું માટે ભગવાન ગણેશજી ગિરિજાત્મજ સ્વરૂપે જગતનું કલ્યાણ કરવાવાળા થયા. ગિરિજાત્મજ એટલે પાર્વતી માતાજીના પુત્ર
આ સ્વરૂપે ભગવાન ગણેશજીનું પ્રાગટ્ય થયું તે દિવસ ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થી છે જેને આપણે ગણેશ ચતુર્થીના નામે ઉજવીએ છીએ. આ દિવસે પાર્વતી માતાજીને ત્યાં ભગવાન ગણેશજી ગિરિજાત્મજ સ્વરૂપે પ્રગટ્યા.
ભગવાન ગણેશજી પોતાના લલાટમાં ચંદ્રને ધારણ કરે છે, માટે ભગવાન ગણેશજીનું એક નામ ભાલચંદ્ર છે.
ભગવાન ગણેશજીની ઉપાસના ભગવાન વિષ્ણુએ પણ કરી હતી. ભગવાન વિષ્ણુએ સિદ્ધ ક્ષેત્રમાં ભગવાન ગણેશજીનું આરાધન કર્યું. ભગવાન વિષ્ણુના તપથી ગણેશજી પ્રગટ થયા અને સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન gથયા. માટે ભગવાન ગણેશજીનું નામ સિદ્ધિવિનાયક પડ્યું. આજે પણ આપણે સૌ ભગવાન ગણેશજીના સિદ્ધિવિનાયક સ્વરૂપની ઉપાસના કરીએ છીએ.
ભગવાન ગણેશજીનું એક નામ લંબોદર છે. આ લંબોદર નામ સૌને માર્ગદર્શન આપે છે કે કોઈ વ્યક્તિ તમને ગુપ્ત રહસ્ય કે ગુપ્ત વાત કરે તો એ વાત તમારી અંદર જ રહેવી જોઈએ, તેને પ્રગટ કરવી ન જોઈએ.
ભગવાન ગણેશજીનું એક નામ મંગલમૂર્તિ છે. આ નામ પાછળ પણ એક કથા પ્રસિદ્ધ છે.
મંગલ નામના ગ્રહે ભગવાન ગણેશજીની ઉપાસના કરી. તેની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન ગણેશજી તેની સન્મુખ પ્રગટ થયા અને મંગલને કહ્યું, હું તને શું આપું? તે સમયે મંગલે ભગવાન ગણેશજીને કહ્યું કે, “તમે મારા નામથી આ જગતમાં બિરાજો અને જગતનું કલ્યાણ કરો.”
મંગલના ભાવથી પ્રસન્ન થઈ ભગવાન ગણેશજીએ કહ્યું, “હે મંગલ! આ જગતમાં સૌથી પહેલાં મારા નામ પૂર્વે તારું નામ લેવામાં આવશે.” આમ, વરદાન આપી ભગવાન ગણેશજી મંગલમૂર્તિના નામે પ્રસિદ્ધ થયા.
ભગવાન ગણેશજી આઠ સ્વરૂપે સમગ્ર સૃષ્ટિમાં બિરાજમાન થઈ જગતનું કલ્યાણ કરવાવાળા થયા. મહારાષ્ટ્રમાં ભગવાન ગણેશજીનાં આઠ પવિત્ર સ્થાનો છે, જેને અષ્ટવિનાયક તરીકે ઓળખવામાં આવે છે.
આપણે ત્યાં જેવી રીતે બાર જ્યોતિર્લિંગની યાત્રાનું અનન્ય મહત્વ છે, તેવી જ રીતે અષ્ટવિનાયક યાત્રાનું પણ અનન્ય મહત્વ છે.
અહીં એક પ્રસંગ સ્મરણ થાય છે. ભગવાન ગણેશજીની ઉપાસના બલ્લાલ નામના એક બાળકે કરી. આ બાળકની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન ગણેશજી બલ્લાલેશ્વર સ્વરૂપે બિરાજમાન થયા. બલ્લાલ ગણેશજીનું સ્થાન મહારાષ્ટ્રમાં આવેલું છે. અષ્ટવિનાયકોનાં સ્થાનોમાં આ એક સ્થાન બલ્લાલેશ્વર ગણેશજીનું જગપ્રસિદ્ધ સ્થાન છે.
બ્રહ્માજીને ભગવાન ગણેશજીએ વરદાન આપ્યું. ભગવાન ગણેશજીના વરદાનથી જ બ્રહ્માજીએ આ સૃષ્ટિનું સર્જન કર્યું. માટે ભગવાન ગણેશજીનું એક નામ વરદ વિનાયક પડ્યું. વરદ વિનાયક સ્વરૂપે ભગવાન ગણેશજીએ સમગ્ર જગતનું કલ્યાણ કર્યું.
ભગવાન ગણેશજીનું એક નામ સુર્પકર્ણ છે. આ નામ સૌને માર્ગદર્શન આપે છે કે જે વ્યક્તિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ બાબતોનું ધ્યાન રાખે એ જ વ્યક્તિ જીવનમાં આગળ વધી શકે. તમે કોઈપણ કાર્ય કરો તો એ કાર્ય ખૂબ જ ચોકસાઈથી કરો, તો કાર્યમાં સફળતા જરૂર મળશે.
આમ, ભગવાન ગણેશજી અનાદિ દેવ છે. ભગવાન ગણેશજી સમગ્ર જગતનું કલ્યાણ કરવાવાળા છે. માટે તો ભગવાન ગણેશજીને મયૂરેશ્વર પણ કહેવામાં આવે છે. ભગવાન ગણેશજી મયૂર ઉપર સવારી કરે છે.
આપણે ભગવાન ગણેશજીનું સ્મરણ કરીએ છીએ ત્યારે કહીએ છીએ “ગણપતિ બાપ્પા મોરિયા!” આમ, ભગવાન ગણેશજી સૌનું કલ્યાણ કરે એ જ અભ્યર્થના.
જય ગણેશ!