તપનો મહિમા: આત્મશુદ્ધિથી આત્મકલ્યાણ સુધી

તપનો મહિમા: આત્મશુદ્ધિથી આત્મકલ્યાણ સુધી

લેખક: ભાગવત કથાકાર પ્રજ્ઞાચક્ષુ ડૉ. કૃણાલ જોશી

આપણા સનાતન ધર્મમાં તપનું અનન્ય મહત્વ છે. રામાયણમાં એક પ્રસંગ આવે છે. દેવર્ષિ નારદજીએ હિમાચલ મહારાજને પાર્વતી માતાજીના ભવિષ્ય વિશે જણાવ્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે, “તમારી પુત્રી દરેક યુગમાં પૂજાશે. ઉમા, અંબિકા વગેરે સ્વરૂપે તેનું પ્રાગટ્ય થશે. પરંતુ જો તે તપ કરશે, તો તેને મહાદેવજી પતિરૂપે પ્રાપ્ત થશે.”

દેવર્ષિ નારદજી વિદાય થયા પછી પાર્વતી માતાજીને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એક બ્રાહ્મણે તેમને તપનું મહત્વ સમજાવ્યું. તેમણે કહ્યું, “હે દેવી! આ સમગ્ર સૃષ્ટિ તપના પ્રભાવથી જ ચાલે છે. બ્રહ્માજી તપના બળે સૃષ્ટિનું સર્જન કરે છે, ભગવાન વિષ્ણુ તપના પ્રભાવથી તેનું પાલન કરે છે અને મહાદેવજી તપના બળે સંહાર કરે છે. ભગવાન શેષનારાયણ સમગ્ર પૃથ્વીને પોતાના મસ્તક પર ધારણ કરે છે, તેમાં પણ તપની જ શક્તિ છે. તેથી હે દેવી! તમે મહાદેવજીને પ્રાપ્ત કરવા તપ કરો.”

પાર્વતી માતાજીએ કઠોર તપસ્યા કરી. આપણા પ્રાચીન લગ્નગીતોમાં પણ નવદંપતીને આશીર્વાદ આપતી વખતે ગવાય છે:

“આ વર-કન્યાનું સુંદર જોડું, અહો પ્રભુજી અમર રહો;

જ્યારે પાર્વતીએ તપ કર્યા, ત્યારે શંકર સરખા સ્વામી મળ્યા.”

આશીર્વાદરૂપે નવદંપતીને ઉમા-મહેશ્વર જેવું અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય તેવી શુભકામના આપવામાં આવે છે. આમ, પાર્વતી માતાજીએ તપ કર્યું ત્યારે જ તેમને ભગવાન શિવ પતિરૂપે પ્રાપ્ત થયા. આ સમગ્ર પ્રસંગ રામચરિતમાનસના બાલકાંડમાં સુંદર રીતે વર્ણવાયો છે.

શાસ્ત્રોમાં તપના વિવિધ સ્વરૂપો જણાવવામાં આવ્યા છે. પ્રાચીન સમયમાં ઋષિ-મુનિઓ જે કઠોર તપસ્યા કરતા હતા, તેવી તપસ્યા આજના સમયમાં દરેક માટે શક્ય નથી. પરંતુ શ્રીમદ્ ભગવદ્ ગીતાના સત્તરમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને તપનું સરળ સ્વરૂપ સમજાવે છે. તેઓ કહે છે કે, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો એ મનનું તપ છે. એટલે કે પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયોને સંયમમાં રાખવી એ જ સાચી તપસ્યા છે.

જો તેનો સરળ ભાવાર્થ સમજીએ તો, પોતાની વાણીથી કોઈના હૃદયને ઠેસ ન પહોંચાડવી એ સૌથી મોટી તપસ્યા છે. કહેવાય છે:

“જેની જીભમાં અમી, તેને સમગ્ર દુનિયા નમી.”

એવા વચનો ક્યારેય ન બોલવા જોઈએ, જેનાથી કોઈનું મન દુઃખાય. મધુર વાણી પણ તપનું એક સ્વરૂપ છે.

તે જ રીતે હંમેશાં સ્વાધ્યાયપરાયણ રહેવું, એટલે કે સારા ગ્રંથોનું વાંચન, સારા વિચારોનું ચિંતન અને સત્કર્મોમાં જોડાયેલા રહેવું પણ તપસ્યા છે. આપણા શાસ્ત્રોમાં સત્કર્મના અનેક સ્વરૂપો વર્ણવ્યા છે—કોઈનું ભલું કરવું, સારું વિચારવું, સારું જોવું, સારું સાંભળવું અને સારું બોલવું—આ બધું તપસ્યાના જ સ્વરૂપો છે.

ભગવાને આપણને શક્તિ આપી છે, પરંતુ તેનો સદુપયોગ કેવી રીતે કરવો તે આપણી બુદ્ધિ પર આધારિત છે. ભગવાને આંખો આપી છે, પરંતુ શું જોવું તે આપણે નક્કી કરવાનું છે. ભગવાને કાન આપ્યા છે, પરંતુ શું સાંભળવું તે આપણે વિચારવાનું છે. ભગવાને જીભ આપી છે, પરંતુ શું બોલવું તે આપણે નક્કી કરવાનું છે. ભગવાને પગ આપ્યા છે, પરંતુ ક્યાં જવું તે પણ આપણે જ નક્કી કરવાનું છે. ભગવાને આપેલી શક્તિનો સદુપયોગ કરવો એ જ સાચી તપસ્યા છે.

આપણામાં અને પ્રાચીન ઋષિ-મુનિઓમાં એક જ તફાવત છે. તેઓ બાર વર્ષ સુધી તપસ્યા કરતા હતા, જ્યારે આજનો માણસ ઘણીવાર બાર મિનિટમાં જ તપી જાય છે. તેથી શાસ્ત્રો કહે છે કે ક્રોધને જીતવો પણ તપસ્યા છે.

ભગવાન બુદ્ધનો એક પ્રસંગ યાદ આવે છે. એક વ્યક્તિએ તેમનું અપમાન કર્યું. ત્યારે ભગવાન બુદ્ધે શાંતિથી કહ્યું, “હે ભાઈ! તમે મને અપમાનની ભિક્ષા આપી, પરંતુ મેં ઘણા સમયથી ભિક્ષા લેવાનું જ બંધ કરી દીધું છે.” આ પ્રસંગમાંથી તેમની સહનશીલતા અને ક્ષમાશીલતા પ્રગટ થાય છે. સહન કરવું પણ એક મહાન તપ છે. કોઈ આપણને દુઃખ આપે છતાં આપણે તેનું કલ્યાણ વિચારીએ, એ સર્વોત્તમ તપસ્યા છે.

સ્વાધ્યાય પણ તપનું મહત્વપૂર્ણ સ્વરૂપ છે. સ્વાધ્યાય એટલે જીવનભર વિદ્યાર્થી બનીને કંઈક નવું શીખવાની જિજ્ઞાસા જાળવી રાખવી. રવીન્દ્રનાથ ટાગોરે ભગવાન પાસે પ્રાર્થના કરી હતી:

“હે પ્રભુ! જ્યારે મારા જીવનની અંતિમ ક્ષણ આવે, ત્યારે મારા હાથમાં એક પુસ્તક હોય.”

આ પ્રાર્થના આપણને શીખવે છે કે સ્વાધ્યાય ક્યારેય છોડવો નહીં. ઉપનિષદોમાં પણ સ્પષ્ટ કહ્યું છે કે સ્વાધ્યાયમાં ક્યારેય આળસ ન કરવી.

કલિયુગમાં તપસ્યાના અનેક સ્વરૂપો છે. જો આપણે આ બધા સ્વરૂપોને જીવનમાં ઉતારીશું, તો તપસ્યાનો સાચો અર્થ સમજી શકીશું. આપણે યાદ રાખવું જોઈએ કે હું તપ કરવા બેઠો છું, લપ કરવા નહીં.

મહર્ષિ પતંજલિએ પોતાના યોગસૂત્રોમાં પણ જણાવ્યું છે કે જપ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અહીં સિદ્ધિનો અર્થ છે ભગવાનના ચરણોમાં અખંડ પ્રેમની પ્રાપ્તિ. એ દિવ્ય પ્રેમની અનુભૂતિ આપણને પણ થાય, એવી પરમાત્મા પાસે પ્રાર્થના.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *