
Ambaji અંબાજીમાં ભક્તિનો મહાસાગર: 3 દિવસમાં 15.85 લાખ માઈભક્તોએ કર્યા માતાજીના દર્શન
Ambaji બનાસકાંઠાના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાનો અદભૂત માહોલ જોવા મળી રહ્યો છે. દેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો અંબાજી પહોંચી રહ્યા છે. મેળાના પ્રથમ ત્રણ દિવસમાં જ 15.85 લાખ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા હોવાનું સામે આવ્યું છે.
Ambaji મેળાના પ્રથમ બે દિવસ દરમિયાન અંદાજે ચાર-ચાર લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. જ્યારે ત્રીજા દિવસે સાંજે 5 વાગ્યા સુધીમાં જ 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી દર્શનનો લાભ લીધો હતો.

એક દિવસમાં 705 ધજારોહણ
અંબાજી મંદિરના શિખર પર ધજારોહણ પણ મોટી સંખ્યામાં કરવામાં આવ્યું હતું. એક જ દિવસમાં 705 ધજાઓ ચડાવવામાં આવી, એટલે કે સરેરાશ લગભગ દર મિનિટે એક ધજા ચડાવવામાં આવી હોવાનું નોંધાયું છે.
Ambaji મેળાના ત્રણ દિવસમાં કુલ 1,515 ધજાઓ ચડાવવામાં આવી છે. આ સાથે મંદિર ખાતે ભક્તિ અને ધાર્મિક પ્રવૃત્તિઓનો માહોલ સતત જોવા મળી રહ્યો છે.
લાખો પેકેટ પ્રસાદનું વિતરણ
મેળા દરમિયાન ભક્તોને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં મોહનથાળના 13.08 લાખ પેકેટ તેમજ ચીકીના 16 હજાર પેકેટ શ્રદ્ધાળુઓને આપવામાં આવ્યા છે.
Ambaji મંદિરના ભેટ કાઉન્ટર અને ધાર્મિક સાહિત્ય કેન્દ્રમાંથી ત્રણ દિવસ દરમિયાન રૂ. 88.56 લાખની આવક નોંધાઈ હોવાનું જણાવાયું છે.
ઉડનખટોલાથી હજારો ભક્તોએ ગબ્બરની યાત્રા કરી
મેળામાં આવતા ભક્તોની સુવિધા માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આશરે 30 હજાર શ્રદ્ધાળુઓએ ઉડનખટોલા મારફતે ગબ્બરની યાત્રા કરી છે.
ભારે ભીડને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમો પણ સતત કાર્યરત છે. ત્રણ દિવસમાં 86,810 જેટલા શ્રદ્ધાળુઓએ તબીબી સારવાર લીધી હોવાનું જણાવાયું છે.
ગુમ થયેલા હજારો બાળકોને પરિવાર સુધી પહોંચાડાયા
મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા ભીડમાં બાળકો ગુમ થવાના બનાવો પણ સામે આવે છે. તંત્રની ટીમોએ શોધખોળ કરીને અત્યાર સુધીમાં 61,075 બાળકોને સુરક્ષિત રીતે તેમના પરિવારજનો સુધી પહોંચાડ્યા હોવાનું જણાવાયું છે.
દરમિયાન વિવિધ સ્થળેથી અંબાજી તરફ પદયાત્રા કરી રહેલા સંઘો પણ હવે ધીમે ધીમે મંદિર ખાતે પહોંચી રહ્યા છે. ભક્તોની ભારે હાજરી વચ્ચે સમગ્ર અંબાજીમાં ધાર્મિક અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો