
આજે રાતે અમદાવાદના આકાશમાં બનવાની છે એક અદ્દભુત ખગોળીય ઘટના
આકાશમાંથી ખરતા તારાનો વરસાદ વરસશે
આજે રાતે 2 વાગ્યા સુધી એક અદ્દભુત ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. આકાશમાંથી ખરતા તારાનો વરસાદ દર વર્ષે થાય છે. વર્ષમાં સાત વાર થનારી આ ખગોળીય ઘટના 14 ડિસેમ્બરની રાતે થવાની છે. દર કલાકે 100થી વધુ ઉલ્કાપિંડ પૃથ્વી પર પડતા જોવા મળશે. ઉલ્કાપિંડને જેમિનિડ ઉલ્કાપિંડ કહેવાય છે.
ભારતના લોકો ક્યારે જોઈ શકશે
આ નજારો ભારતમાં પણ જોવા મળશે. જો હવામાન સાફ હશે તો તે ભારતના મોટાભાગના શહેરોમાં સાંજે 6:30 વાગ્યા પછી જોઈ શકશે રાતના લગભગ 2 વાગ્યા સુધી તો ઉલ્કાપિંડ તેની ચરમસીમાએ પહોંચશે.
ઉલ્કાપિંડ સૌથી વધારે તેજસ્વી હશે
આ વર્ષે ઉલ્કાવર્ષામાં સૌથી મહત્વની બાબત એ રહેશે કે આ જેમિનિડ ઉલ્કાપિંડ આજની તારીખમાં તમામ જેમિનિડ ઉલ્કાપિંડોમાં સૌથી વધુ તેજસ્વી હશે. જેમિનીડ ઉલ્કાઓ દર વર્ષે ડિસેમ્બરમાં થાય છે. 4 ડિસેમ્બર 2022થી જેમિનીડ ઉલ્કાપિંડનો વરસાદ શરૂ થયો છે. તે 17 ડિસેમ્બરે સમાપ્ત થશે. આ દરમિયાન આકાશમાં ઉલ્કાપિંડનો વરસાદ જોવા મળશે પરંતુ 14 ડિસેમ્બરની રાત્રે તે વધુ તીવ્ર અને સૌથી સુંદર હશે. આ ઉલ્કાપિંડ મિથુન નક્ષત્રથી આવી રહ્યા છે.
ઉલ્કાપિંડ ક્યારે પૃથ્વી પર ટકરાય છે
સૂર્યની ભ્રમણકક્ષામાં ઉલ્કાપિંડનો એક મોટો બેલ્ટ હોય છે અને તેમાં તે ફરતા રહે છે. જ્યારે સૂર્યની ભ્રમણકક્ષામાં પહોંચતાં પૃથ્વીના તીવ્ર ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉલ્કાપિંડ પૃથ્વીના વાયુમંડળમાં ખેંચાઈ આવે છે અને સળગીને તૂટી પડે છે. ડિસેમ્બરમાં આકાશમા પૃથ્વીનો રસ્તો 3200 ફેથોન નામના એસ્ટેરોઈડના રસ્તાને મળે છે જેના કણ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે અને ઘર્ષણથી રંગીન રેખા બને છે જેને સામાન્ય ભાષામાં ખરતા તારા કહેવાય છે.