
અમદાવાદમાં મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરીને ઘર ખરીદતા વિવાદ, હિન્દુ પ્રેમિકા માટે નામ બદલ્યું હોવાનો દાવો
અમદાવાદ: શહેરના વેજલપુર વિસ્તારમાં રહેણાંક મિલકતની ખરીદી સંબંધિત એક મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. એક વ્યક્તિએ નામ પરિવર્તન કર્યા બાદ મિલકત ખરીદી હોવાના મુદ્દે સ્થાનિક સ્તરે વિવાદ સર્જાયો છે. સમગ્ર મામલે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકોરે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને તપાસની માંગ કરી છે.
મળતી માહિતી અનુસાર, સાજીદ અઝીઝ નામના વ્યક્તિએ પોતાનું નામ બદલીને “સ્વપ્નિલ” રાખ્યું હોવાનું જાહેરનામું અખબારમાં પ્રકાશિત કર્યું હતું. ત્યારબાદ હિન્દુ ધર્મ સ્વીકારવાની પ્રક્રિયા અંગે પણ જાહેર નોટિસ આપવામાં આવી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.

સ્થાનિક રહેવાસીઓના એક વર્ગનો આરોપ છે કે મિલકત ખરીદતી વખતે મૂળ ઓળખ અંગે પૂરતી માહિતી આપવામાં આવી નહોતી અને રાજ્યના અશાંતધારા સંબંધિત નિયમોના પાલન અંગે પ્રશ્નો ઊભા થયા છે. જોકે, આ આરોપોની સત્તાવાર રીતે હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
વિવાદ વધતા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકોરે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. તેમણે સમગ્ર વ્યવહારની નિષ્પક્ષ તપાસ કરવાની તેમજ અશાંતધારા કાયદાનું યોગ્ય પાલન થયું છે કે નહીં તેની ચકાસણી કરવાની માંગ કરી છે. ઉપરાંત, જો ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હોય તો તે કાયદેસરની પ્રક્રિયા મુજબ થયું છે કે નહીં તેની પણ તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી છે.
આ દરમિયાન એક હિન્દુ મહિલાએ જણાવ્યું હતું કે તેઓ સમગ્ર મામલાથી અજાણ છે અને તેમના સરનામાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાની શંકા છે. મહિલાના જણાવ્યા મુજબ તેમની નણંદ સંબંધિત વ્યક્તિ સાથે સંબંધમાં હતી, પરંતુ મિલકત ખરીદી અથવા અન્ય કાનૂની પ્રક્રિયાઓ અંગે તેમને કોઈ જાણકારી નહોતી.
બીજી તરફ, કેટલાક લોકોનું માનવું છે કે કોઈપણ વ્યક્તિને કાયદેસર રીતે નામ અથવા ધર્મ પરિવર્તન કરવાનો અધિકાર છે અને સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ જ કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય રહેશે.
હાલમાં જિલ્લા પ્રશાસન તરફથી આ મામલે કોઈ અંતિમ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તપાસ અને સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.