
Ahmedabad : તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચતા અમદાવાદીઓ ત્રાહીમામ પોકારી ગયા, હજુ બે દિવસ રેડ એલર્ટ

Ahmedabad : હજુ પણ આગામી બે દિવસ ગરમીથી રાહત મળવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી. હવામાન વિભાગ મુજબ આગામી બે દિવસ હજુ શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર રહેવાની સંભાવના છે. 13 અને 14 મે સુધી શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને AMCએ પણ શહેરીજનોને સાવચેત કર્યા છે.
ગુજરાત આ ઉનાળે રીતસર અગનભઠ્ઠી બની ગયું છે. ગઈકાલે જ અમદાવાદમાં (Ahmedabad) તાપમાન 47 ડીગ્રીને પાર થઈ ગયું હતું. ખાનગી વેધર વેબસાઈટ મુજબ, અમદાવાદમાં આજે પણ ગરમીનો પારો 46 ડીગ્રીએ પહોંચ્યો છે. ત્યારે આવતીકાલથી બે દિવસ સુધી તાપમાન 45 ડિગ્રીથી વધુ જ રહેવાનો અંદાજ છે. આ ગરમીથી બચવા ક્યાં જવું અને શું કરવું એ લોકો વિચારતા થઈ ગયા છે. હજી પણ ત્રણ દિવસ બાદ આવી ગરમીથી આંશિક રાહત મળે એવી હવામાન વિભાગની આગાહી છે.

હવામાન વિભાગે અમદાવાદની (Ahmedabad) સાથે સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર તથા મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી તથા કચ્છમાં હિટવેવ રહેશે.
