
અમદાવાદમાં સાયબર ક્રાઇમના બે કિસ્સા: યુવતીને બ્લેકમેલિંગ, એકાઉન્ટન્ટ પાસેથી ₹30 લાખની ઠગાઈ
અમદાવાદમાં સાયબર ગુનાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. નવરંગપુરામાં IT એન્જિનિયર યુવતીને ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી બદનામ કરવાની ધમકી આપી પૈસાની માગણી કરવામાં આવી હતી. બીજી તરફ પાલડીમાં સાયબર ઠગોએ કંપનીના બોસના નામે WhatsApp મેસેજ કરીને એકાઉન્ટન્ટ પાસેથી ₹30 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. બંને મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
₹77ના વિવાદ બાદ યુવતીને બ્લેકમેલિંગ
નવરંગપુરામાં રહેતી IT એન્જિનિયર યુવતીએ 23 મેના રોજ ઓનલાઈન બાઇક રાઇડ મારફતે પાર્સલ મોકલ્યું હતું. રાઇડનું ₹77નું પેમેન્ટ ઓનલાઈન કર્યા બાદ પણ ડિલિવરી બોયે રકમ મળી ન હોવાનો દાવો કરી યુવતીના ઘરે જઈને ગેરવર્તન કર્યું હોવાની ફરિયાદ છે.
આ બનાવ બાદ 26 મેથી યુવતીના મોબાઇલ પર સતત OTP આવવા લાગ્યા હતા. ત્યારબાદ તેના નામે ફેક Instagram એકાઉન્ટ બનાવી તેના ફોટા સાથે વાંધાજનક લખાણ પોસ્ટ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, યુવતીના ઓફિસના ઈમેલ પર પણ અભદ્ર મેસેજ મોકલવામાં આવ્યા હતા.
યુવતીએ ફેક એકાઉન્ટ ચલાવનારનો સંપર્ક કરતાં આરોપીએ મામલો સમાપ્ત કરવા માટે ₹77 હજાર રોકડા અને એક iPhoneની માગણી કરી હતી. રકમ નહીં આપે તો યુવતીના ફોટા તેના મિત્રો અને પરિચિતોને મોકલી બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બોસના નામે WhatsApp મેસેજ, એકાઉન્ટન્ટ પાસેથી ₹30 લાખ પડાવ્યા
પાલડીની ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા ગાંધીનગરના નિકુંજ ગાંધી સાયબર ઠગાઈનો ભોગ બન્યા હતા. આરોપીએ WhatsApp પર કંપનીના બોસનો ફોટો DP તરીકે રાખીને નિકુંજને મેસેજ કર્યો હતો.
ઠગે પોતે મહત્વની મીટિંગમાં વ્યસ્ત હોવાનું કહી એક પાર્ટીને તાત્કાલિક પેમેન્ટ કરવાનું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ એકાઉન્ટન્ટ પાસેથી બેંકની દૈનિક ટ્રાન્સફર લિમિટની માહિતી મેળવી કુલ ₹30 લાખ અલગ-અલગ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે ટ્રાન્સફર કરાવી લીધા હતા.
આટલી રકમ મેળવ્યા બાદ પણ ઠગે વધુ ₹20 લાખની માગણી કરી હતી. આ રકમ માટે ચેક પર સહી કરાવવા નિકુંજ જ્યારે બોસને મળવા પહોંચ્યા ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો. બોસે આવો કોઈ WhatsApp મેસેજ કર્યો જ ન હોવાનું જણાવતાં નિકુંજને છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું.
આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે.
