
ઈન્દોર-ખરગોન વચ્ચે દુર્ઘટના,બસમાં મહિલા-બાળકો સહિત 35 થી 40 મુસાફર સવાર હતા
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સોમવારે સવારે ઈન્દોર-ખરગોનની વચ્ચે એક ભીષણ દુર્ઘટના ઘટી હતી. બસ ઈન્દોરથી મહારાષ્ટ્રના અમલનેર જઈ રહી હતી. બસ ધામનોદમાં ખલધાટની પાસે નર્મદામાં ખાબકી હતી. 10થી 10.15 વાગ્યાની વચ્ચે ખલધાટમાં ટૂ-લેન પુલ પર કોઈ વાહનને ઓવરટેક કરતી વખતે બસ બેકાબુ થઈ ગઈ હતી. ડ્રાઈવરે સંતુલન ગુમાવી દેતા બસ રેલિંગ તોડીને નદીમાં પડી હતી.

બસમાં મહિલાઓ-બાળકો સહિત 40 મુસાફર સવાર હતા. અત્યાર સુધીમાં 13 શબને કાઢવામાં આવ્યા છે. તેમાં 8 પુરુષ, 4 મહિલાઓ અને 1 બાળક છે. મૃતકોની ઓળખ હાલ થઈ શકી નથી. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ 15 પેસેન્જરોને જીવતા બહાર કાઢવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે. જોકે ઘટના સ્થળે હાજર એમ્બ્યુલન્સના ડ્રાઈવરે જણાવ્યું કે અત્યાર સુધીમાં એક પણ પેસેન્જર જીવતો મળ્યો નથી.
દુર્ઘટના આગ્રા-મુંબઈ હાઈવે પર ઘટી હતી. આ રોડ ઈન્દોરથી મહારાષ્ટ્રને જોડે છે. ઘટના સ્થળ ઈન્દોરથી 80 કિલોમીટર દૂર છે. જે સંજયુ સેતુ પુલથી બસ પડ, તે બે જિલ્લા-ધાર અને ખરગોનની સીમા પર છે. પુલનો અડધો હિસ્સો ખાલધાટ(ધાર) અને અડધો હિસ્સો ખલટાકા(ખરગોન)માં છે. ખરગોનથી કલેક્ટર અને SP પણ ઘટના સ્થળે પણ પહોંચ્યા છે.

બસ MH 40 N 9848 સવારે 9થી 9.15 વાગ્યે ખાલધાટથી 12 કિલોમીટર પહેલા દૂધી બાયપાસના કિનારે એક હોટલે રોકાઈ હતી. હોટલ માલિકે જણાવ્યું કે અહીં 12-15 મુસાફરોએ ચા-નાસ્તો કર્યા હતા. બાકીના લોકો અંદર જ બેઠા હતા. અંદર કેટલા લોકો બેઠા હતા, તેનો ખ્યાલ નથી. જોકે બસમાં 30થી 35 લોકો હતા.