શબ્દ સંકલન-: નિકીતા સકસેના
કલાપી નું નામ આવતાં ની જ સાથે રાજા રજવાડા ના આ મહારથી એ કટાર ની જગ્યા એ કલમ નો સહારો લઈ એક સાચા પ્રેમી ની વાતો ને કલાપી એ કાવ્ય એ પ્રેમ ની માળા માં પહેરવી ને સમાજ ને બતાવ્યું કે પ્રેમ માં આજ પણ એટલી જ તાકાત છે.
કે ચાહત ની આ વ્યાખ્યા મા પ્રેમ ની આહૂતિ આપવી પડે તો પણ પ્રેમીઓ હિચકીચાતા નથી, પ્રેમ અને રાજપાટ ની આ લડાઇ મા હંમેશા પ્રેમ નો વિજય થયો છે. એ પછી જીવતર નું આયખુ કેમ ટુંકાવી મોત સાથે મિત્રતા કરી લીધી હોય તેના અનેક જીવંત દાખલાઓ કલાપી જેવા પ્રેમીઓ એ આપ્યા છે. એટલે જ તો
કલાપીને ‘ગુજરાતના વડ્સવર્થ’ કે ‘ગુજરાતના ઓમાર ખય્યમ’ તરીકે ઓળખવામાં આવે છે. કવિ કાન્તે કલાપીને ‘સુરતાની વાડીનો મીઠો મોરલો’ કહ્યા, તો કનૈયાલાલ મુનશીના મતે તેઓ ‘પ્રણય અને અશ્રુના કવિ’ હતા, તો સુંદરમના મતે તેઓ ‘યુવાનોના કવિ’ છે.
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલની કહાણીએ એક કવિની ‘ઇશ્કે મિજાજી’થી ‘ઇશ્કે હકીકી’ સુધીની સફર છે. શોભના સાથે મિલન એ સફરનો અંત છે, તો અચાનક અકાળે મૃત્યુએ અનેક અટકળોનો આરંભ છે. કલાપી એટલે કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (૧૮૭૪-૧૯૦૦) સૌરાષ્ટ્રના લાઠીમાં જન્મ્યા હતા. તેમનો જન્મ અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં ૨૬મી જાન્યુઆરી ૧૮૭૪ના થયો હતો. તેમનો રાજ્યાભિષેક ૨૧ વર્ષની વયે લાઠી દરબાર તરીકે થયો. કલાપી તેમનું ઉપનામ હતું. તેમણે અનેક કવિતાઓ રચીને ગુજરાતી સાહિત્યની સેવા કરી છે. તેમણે પ્રવાસવર્ણન, સંવાદો, અનુવાદો, ડાયરી, આત્મકથન અને પત્રો રૂપે ગદ્યલેખન પણ કર્યું છે. ૯મી જૂન ૧૯૦૦ના દિવસે ૨૬ વર્ષની યુવાન વયે તેમનું નિધન થયું હતું.
નાની વય માજ આ ફાની દુનિયા છોડી જનાર લાઠીના રાજવી કવિ ‘કલાપી’ના કાવ્યોની ઉદભવ ભૂમિ એટલે રોહા – કચ્છ નો દરબારગઢ. “જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની” જેવી અમર ગઝલ રચી જનાર સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉર્ફે કવિ ‘કલાપી’ કચ્છની રોહા જાગીરના જમાઈ હતા. અહીંની હવામાંથી જ તેમની કવિતાને દર્દીલી બની. શોભના નામનું જીવંત પાત્ર અહીં જ તેમના જીવનમાં પ્રવેશ્યું. રોહાના ડુંગર ઉપર ઉભેલા જે દરબારગઢના ઝરુખામાં બેસીને કલાપીને કાવ્યો સ્ફૂર્યાં હશે, એ ગવાક્ષો હજુય કવિની યાદમાં આંસુ સારે છે. કોઈ સમયનો જાજરમાન કિલ્લો અને બેનમૂન કોતરણીના બેજાન લાગતા પથથરોમાં હજુય કવિના સ્પર્શ જીવતા છે. કલાપીના ભીનાં સ્મરણો સાચવી ઉભેલી પડું પડું થતી ભીંતોમાં ગુજરાતી કવિતાના ડૂસ્કાં સંભળાય છે. આડેધડ રગડેલા કિલ્લાના અવશેષો આવનારને ટીકી ટીકીને જુએ છે કે કોઈ તો અહીં બેસી ગઝલ ગણગણે ….!
જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની
આંસુ મહીંયે આંખથી યાદી ઝરે છે આપની
માશૂકોના ગાલની લાલી મહીં લાલી અને જ્યાં જ્યાં
ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની
જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની !
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની !
આ ખૂનને ચરખે અને રાતે અમારી ગોદમાં,
આ દમ-બ-દમ બોલી રહી ઝીણી સિતારી આપની !
આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા ;
યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની !
દેખી બૂરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની ?
ધોવા બૂરાઈને બધે ગંગા વહે છે આપની !
થાકું સિતમથી હોય જ્યાં ના કોઈ ક્યાંયે આશના ;
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની !
જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં ત્યાં મિલાવી હાથને,
અહેશાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની !
પ્યારું તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર :
ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની !
રોઉં ન કાં એ રાહમાં એ બાકી રહીને એકલો ?
આશકોના રાહની જે રાહદારી આપની !
જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું :
જૂની નવી ના કાંઈ તાજી એક યાદી આપની !
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી :
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની !
કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી ;
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની !


