કરૂણા અભિયાન -૨૦૨૧ અંતર્ગત પોરબંદરમા ઇજા પામેલા ૧૨૦ જેટલા પક્ષીઓની સારવાર કરવામા આવી

ડોકટર્સની ટીમે એક દિવસમા ૧૪ કલાક ફરજ બજાવી ધાયલ પક્ષીઓના દર્દ પર મલમ લગાવ્યો

જાન્યુઆરીથી શરૂ થયેલા કરૂણા અભિયાન અંતર્ગત પતંગની દોરથી ઘવાયેલા ૧૨૦ જેટલા પક્ષીઓને પોરબંદર પક્ષી અભ્યારણ્ય ખાતે સારવાર આપવામા આવી છે. જ્યારે પાંચ પક્ષીઓના પીડાદાયક મોત નિપજ્યા છે. મકરસંક્રાતિના દિવસે ૬૭ જેટલા પક્ષીઓને ઇજા પહોચતા ડોકટર્સ અને સેવાભાવી લોકોએ સતત ૧૪ કલાક જેટલો સમય સેવા બજાવી ઘાયલ પક્ષીઓને સારવાર આપી હતી.
જાણતા કે અજાણતા ઘણી વખત આપણો આનંદ અન્ય માટે દુ:ખનુ કારણ બની જતો હોય છે. ક્યારેક આ દુ:ખ એટલુ પીડાદાયક હોય કે જેને ઉડવા માટે કોઇ દેશની સરહદો બાધા રૂપ બનતી ન હોય અને સાગરના સીમાડા સરળતાથી પાર કરનાર ક્યારેક એક પતંગની ઝીણી દોરની ઘારથી આજીવન ઉડવાનો પોતાનો જન્મસિધ્ધ અધિકાર ગુમાવીને એક સ્થાન પુરતુ સીમીત બની જાય છે.
ગુજરાતી કવિ ખલીલ ધનતેજવી લખે છે, પર્વતો કૂદી જનાર સ્હેજમા ભાંગી પડ્યો, આ વખત એ કોઇની પાંપણથી પટકાયો હતો. એમ સરળતાથી સાગર પાર કરનાર કોઇ પંખી નાના અમથા પતંગના દોરથી પાંખ વિહોણું બનતુ હોય છે. પતંગની દોર કે કોઇપણ રીતે ઘવાયેલા પંખીઓને સારવાર પુરી પાડવા રાજ્ય સરકાર દ્રારા યોજાતુ સમગ્ર રાજ્યવ્યાપી સંવેદનશીલ અભિયાન એટલે કરૂણા અભિયાન.
ઉતરાયણ પર્વ નિર્મિતે આકાશમા ચગતી પતંગોની દોરથી ઘવાયેલા પક્ષીઓને સારવાર આપવા પોરબંદર જિલ્લામા પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા ખાતે પશુ દવાખાનાની ૧૯૬૨ નંબરના વાહન મારફત ડોકટર્સ દ્રારા તત્કાલ સારવાર આપવામા આવે છે.
પક્ષી અભ્યારણ્ય ખાતે તા.૧૦ જાન્યુઆરીથી તા.૧૫ જાન્યુઆરી સુધી ૧૨૦ જેટલા પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. જ્યારે પાંચ પક્ષીઓના મૃત્યુ થયા છે. સામાન્ય ઇજા પહોંચતા પક્ષીઓને સારવારના અમુક કલાકો/દિવસો બાદ આઝાદ કરવામાં આવે છે. જ્યારે વધુ ઘવાયેલા પક્ષીઓને આજીવન એક મર્યાદિત સ્થળ પર જ રાખવામાં આવે છે.


પોરબંદર પક્ષી અભ્યારણ્ય ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર કરતા ડો.અમીનકુમાર શ્રીવાસ્તવે તથા ડો.હર્ષે જણાવ્યુ કે, ૧૪મી જાન્યુઆરીના રોજ ૬૭ પક્ષીઓ પતંગની દોરથી ઘવાયા હતા. જેમા સૌથી વધુ કબુતર અને કુંજ હતા. પક્ષીઓને વધુ પીડા ભોગવવી ન પડે તે માટે મકરસંક્રાતિના દિવસે અમે સવારે ૮ કલાક થી રાતના ૧૦ કલાક સુધી ઘાયલ પક્ષીઓની સારવાર કરી હતી. ગંભીર રીતે ઘવાયેલા ફલેમીંગોનુ ઓપરેશન કરીને શ્રીવાસ્તવે કહ્યુ કે, આ રાજ્ય પક્ષીને પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. જેથી એમનો એક પગ કાપવાની ફરજ પડી હતી. આ ઉપરાંત તેની પાંખમાં પણ ઇજા પહોંચી છે. જેથી આ પક્ષીની ઉડવાની સંભાવના નહિવત છે, પણ સમયસર તેને સારવાર માટે લાવવામા આવતા તેનો જીવ બચી ગયો છે. તે જીવે ત્યા સુધી તેને ફોરેસ્ટ વિભાગ દ્રારા સુરક્ષીત સ્થળે રાખવામાં આવશે.
કરૂણા અભિયાન અંતર્ગત પક્ષીઓની સારવાર માટે ડો.અમીનકુમાર શ્રીવાસ્તવ ઉપરાંત ડો.હર્ષ, ડો. કણઝારીયા, ડો હસમુખ પટેલ, વેટ.આસીસ્ટન્ટ બાપોદરા વિજય સહિત સેવાભાવી ડોકટર્સ સહિત પક્ષી પ્રેમીઓ ફરજ બજાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *