CRIME KING NEWS:
ગુજરાતી કમિંગ ઑફ એજ ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શૉ’ (છેલ્લો શૉ)ને ઓસ્કર અવૉર્ડ્સ માટે ભારતની ઑફિશિયલ એન્ટ્રી તરીકે પસંદગી

CRIME KING NEWS:

ગુજરાતી ફિલ્મ મેકર પાન નલિનની ગુજરાતી કમિંગ ઑફ એજ ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શૉ’ (છેલ્લો શૉ)ને ઓસ્કર અવૉર્ડ્સ માટે ભારતની ઑફિશિયલ એન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મે આ વર્ષની સુપરહિટ ફિલ્મો એવી એસ. એસ. રાજામૌલિની ‘RRR’ અને વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પણ પાછળ છોડી દીધી છે. હવે આ ‘લાસ્ટ ફિલ્મ શૉ’ ફિલ્મ આવતા વર્ષે અમેરિકાના લોસ એન્જલસ ખાતે યોજાનારા ‘એકેડમી અવૉર્ડ્સ’ યાને કે ‘ઓસ્કર અવૉર્ડ્સ’માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ’ની કેટેગરીમાં વિશ્વભરની ફિલ્મો સાથે સ્પર્ધામાં ઊતરશે. ભારતમાં 14 ઓક્ટોબરે આ ‘છેલ્લો શૉ’ ફિલ્મ રિલીઝ થશે.

CRIME KING NEWS: ભારતમાં 14 ઓક્ટોબરે આવશે ‘છેલ્લો શૉ’

હોલિવૂડના દિગ્ગજ ફિલ્મમેકર રોબર્ટ ડી નિરો દ્વારા શરૂ કરાયેલા ‘ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલ, સ્પેનના વેલાડોલિડ ફિલ્મ ફેસ્ટિવલ સહિતનાં આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવોમાં અઢળક ઇનામો, પ્રશંસા અને કમર્શિયલ સક્સેસ પણ મેળવી ચૂકી છે. ભારતમાં પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂર આ ફિલ્મ 14 ઓક્ટોબરના રોજ રિલીઝ કરી રહ્યા છે.

CRIME KING NEWS: સિનેમાને પ્રેમપત્ર છે આ ફિલ્મ

નવ વર્ષના બાળક સમય (ભાવિન રબારી)ની વાર્તા કહેતી આ ફિલ્મ ‘છેલ્લો શૉ’ સિનેમાને પ્રેમપત્ર છે. સૌરાષ્ટ્રના નાનકડા ગામ ચલાલાના એક નાનકડા સિનેમા હૉલના પ્રોજેક્શનિસ્ટ ફઝલ (ભાવેશ શ્રીમાળીની સાથે દોસ્તી કેળવીને ફિલ્મો જોનારા બાળકના સિનેમા પ્રત્યેના લગાવની આ દાસ્તાન છે. આ ફિલ્મની વાર્તા 1988માં આવેલી ખ્યાતનામ ઇટાલિયન ફિલ્મ ‘સિનેમા પેરેડિસો’ની યાદ અપાવે છે. આ ફિલ્મ પણ તે વર્ષનો બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મનો ઓસ્કર જીતી હતી.

CRIME KING NEWS: નલિન કુમાર પંડ્યા ઉર્ફે પાન નલિન

નલિન કુમાર પંડ્યા ઉર્ફે પાન નલિન

ગુજરાત મૂળે અમરેલીના લાઠીના અડતાલા ગામના નલિન પંડ્યા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ફિલ્મમેકર છે. તેમણે બનાવેલી ‘સમ્સરા’, ‘વેલી ઑફ ફ્લાવર્સ’, ‘એન્ગ્રી ઇન્ડિયન ગોડેસિસ’ જેવી ફિલ્મોએ વિશ્વ સિનેમાના તખ્તા પર મજબૂત જગ્યા બનાવી છે. અત્યાર સુધીમાં તેમણે બનાવેલી ફીચર લેન્થ, શોર્ટ અને ડૉક્યુમેન્ટરી ફિલ્મોનો ટોટલ 21 જેટલો થાય છે. આ વર્ષે જૂન મહિનામાં ‘એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ’ (ઓસ્કર)માં વિશ્વ સિનેમામાં ધરખમ પ્રદાન કરનારા 397 કસબીઓમાં પાન નલિનને પણ સામેલ કરવામાં આવ્યા હતા. આ રીતે આમંત્રિત થનારા પાન નલિન પહેલા ગુજરાતી ફિલ્મમેકર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *