
વર્ષ ૧૯૫૩થી ચાલી આવતી પરંપરા મુજબ શાસ્ત્રોકત રીતે ૨૬મી વાર નગરપતિશ્રીએ હમીરસર ઓગનના વધામણા કર્યા
વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડૉ.નીમાબેન આચાર્યે હમીરસર તળાવ વધામણા પ્રસંગે ઉપસ્થિત રહીને જન સુખાકારી માટે પ્રાર્થના કરી
દેશલસર તળાવના પણ વાજતે – ગાજતે વધામણા કરાયા

ભુજ શહેરવાસીઓ સાથે હમીરસરની લાગણી જોડાયેલી છે ત્યારે હમીરસર તળાવ ઓગની જતા નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નગરપતિશ્રી ઘનશ્યામભાઈ ઠક્કરની સાથે વિધાનસભાના અઘ્યક્ષા શ્રી ડૉ.નીમાબેન આચાર્યે ઉપસ્થિત રહીને શાસ્ત્રોકત વિધિ પ્રમાણે પારેશ્વર ચોક, પાવડી ખાતે હમીરસર ઓગનના વધામણા કર્યા હતા. સૌ ઉપસ્થિત મહાનુભાવોએ જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી તેમજ હમીરસર ઓગનતા મહાનુભાવોએ નાગરિકોને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. દેશલસર તળાવ ખાતે પણ નગરપાલિકાના ઉપ પ્રમુખ શ્રી રેશ્માબેન ઝવેરીની સાથે મહાનુભાવોએ વાજતે ગાજતે સહર્ષથી વધામણા કર્યાં હતા.
વિધાનસભાના અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યે હમીરસરને કચ્છનું હ્રદય ગણાવીને કહ્યું હતું કે, આ તળાવ ઓગન્યું તે આપણા સૌ માટે ખૂબ ખૂબ આનંદની વાત છે. અધ્યક્ષાશ્રીએ સૌને શુભેચ્છાઓ સાથે વધામણી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજવી સંસ્કૃતિ અને લોક પરંપરા મુજબ વર્ષ ૧૯૫૩થી હમીરસર તળાવના ભુજના નગરપતિશ્રીઓ દ્વારા શાસ્ત્રોકત વિધિ પ્રમાણે વધામણા કરવામાં આવે છે. શહેરના શણગાર સમા આ તળાવને સૌ પ્રથમ કચ્છના પૂર્વ વિધાનસભાના અધ્યક્ષશ્રી અને નગરપતિશ્રી કુંદનલાલ જશવંતલાલ ધોળકિયાએ વર્ષ ૧૯૫૩માં પ્રથમવાર શાસ્ત્રોકત રીતે વધામણી કરી હતી. આ પહેલા વર્ષ ૨૦૧૧માં નરેન્દ્રભાઈ મેઘજીભાઈ ઠક્કરે ત્યારબાદ વર્ષ ૨૦૧૩ અને વર્ષ ૨૦૧૫માં નગરપતિ શ્રી હેમલત્તાબેન ગોરે હમીરસરના વધામણા કર્યા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૨૦માં નગરપતિશ્રી લતાબેન સોલંકીએ વધામણા કર્યા હતા અને આજે ૨૬મી વાર વધામણા કરવામાં આવ્યા હતા. તળાવના કાંઠે ઢોલ નગારાની સાથે શરણાઈના સૂર રેલાતા ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. હમીરસરના છલકાતા નીરને નિહાળીને લોકોના મુખ પર આનંદની લાગણી છવાઈ ગઈ હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પારૂલબેન કારા, અગ્રણી શ્રી કેશુભાઈ પટેલ, વલમજીભાઈ હુંબલ, શિતલભાઈ શાહ, અનિરુદ્ધભાઈ દવે, અશોક પટેલ, ગોદાવરીબેન ઠક્કર, અનિલ છત્રાળા, કારોબારી સમિતિના ચેરમેન શ્રી જગત વ્યાસ, કુંવર શ્રી ઈન્દ્રતજીતસિંહ જાડેજા, સહિત ભુજ નગરપાલિકાના સદસ્યશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
