વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યેના વરદ હસ્તે માધાપર ખાતે રૂ.૪.૮૦ કરોડના ખર્ચે ૭ રોડ રસ્તા કામોનું ખાતમુહૂર્ત 

વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યે રૂ.૪.૮૦ કરોડના ખર્ચે ભુજના માધાપર જૂનાવાસ ખાતે તૈયાર થનારા કુલ ૮.૨૦ કિલોમીટર લંબાઈના વિવિધ ૭ રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારાએ હાજરી આપીને માધાપર જૂનાવાસની વિકાસકાર્યોની કામગીરીને બિરદાવી હતી. 

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, આજનો દિવસ ખૂબ જ અગત્યનો છે. માધાપરવાસીઓને કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ મળવા જઈ રહી છે. નાગરિકો માટે પ્રાથમિક સુવિધાઓ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. અધ્યક્ષા એ વિવિધ વિકાસકાર્યોની માહિતી ઉપસ્થિત સૌ લોકોને આપી હતી. તેઓએ વધુમાં ઉમેર્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અનેક જનસુખાકારીના કાર્યો કરી રહી છે જેનો લાભ માધાપરને પણ મળી રહ્યો છે. સરકાર સતત એ ચિંતા કરે છે કે કોઈ જ નાગરિક પ્રાથમિક સુવિધાઓથી વંચિત ના રહી જાય. સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓથી ગુજરાતના ગામડાઓ સુવિધાસભર બન્યા છે.

જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ખાસ કરીને ગામડાઓમાં ડ્રેનેજ, પીવાનું પાણી, રોડ રસ્તા અને આરોગ્યની સુવિધાઓ વધે તે બાબતે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. આજે ગુજરાતની ઠેર-ઠેર પ્રશંસા થઈ રહી છે અને ગુજરાતના ગામડાઓ દેશભરમાં વિકાસના ઉદાહરણરૂપ બન્યા છે. તેઓએ માધાપરવાસીઓને અભિનંદન આપીને જણાવ્યું કે, આ વિકાસના કામોથી ગામની સુવિધામાં વધારો થશે અને નાગરિકોની સુખાકારી વધશે. 

ઉલ્લેખનીય છે કે, વિવિધ ૭ રોડના વિકાસકાર્યોમાં માધાપર જૂનાવાસ ખાતે રૂ.૫૦ લાખના ખર્ચે માધાપર જૂનાવાસ ભુજીયા ડુંગરની સામે સોની સમાજવાડીને જોડતો રસ્તો, રૂ.૪૦ લાખના ખર્ચે માધાપર જૂનાવાસથી સ્વર્ણિમ સ્કૂલથી અંધજન મંડળ રોડ, રૂ. ૪૦ લાખના ખર્ચે માધાપર જૂનાવાસ હાઇવેથી સનરાઈઝ સીટીથી વિષ્ણુભાઈ રોજગોરના ઘરથી સ્વામીનારાયણનગરને જોડતો રોડ, રૂ. ૧.૫૦ કરોડના ખર્ચે માધાપર જૂનાવાસ હાઇવેથી હિંગલાજ દેવી મંદિર રોડ, રૂ. ૫૦ લાખના ખર્ચે માધાપર જૂનાવાસ અંજાર હાઇવેથી રામલક્ષ્મી સોસાયટીને જોડતો રોડ, રૂ. ૫૦ લાખના ખર્ચે માધાપર જૂનાવાસ નરનારાયણ નગરથી ભુજ રીંગ રોડને જોડતો માર્ગ, રૂ. ૧ કરોડના ખર્ચે માધાપર ચોકીથી ગાંધી સર્કલ સુધીના રોડના કામનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *