
વિધાનસભાની ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓનું નિરાકરણ થાય તે માટે માંગ કરતા નજરે પડી રહ્યા છે. પંચાયતના તલાટીઓ હોય કે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ, પોતાની પડતર માંગણીઓને સંતોષવા માટે સોમવારથી હડતાળ યોજી વિરોધ દર્શાવી રહ્યા છે. રાજ્યમાં આરોગ્ય વિભાગના અનેક કર્મચારીઓએ હાલ સરકાર સામે બાંયો ચઢાવી કામથી અડગા રહેવાનો નિર્ણય કર્યો છે. ઠેર-ઠેર જિલ્લા પંચાયતોમાં સુત્રોચ્ચાર અને કલેક્ટરને આવેદન પત્રો આપી પોતાની માંગ સંતોષવા રજૂઆતો કરી રહ્યા છે, પણ તેઓની માંગ ક્યારે સંતોષાશે તે એક સવાલ છે.
આરોગ્ય વિભાગના કર્મચારીઓની મુખ્ય માંગ
ગ્રેડ પે 1900 થી વધારીને 2800 કરવામાં આવે
કોરોના કાળ દરમિયાન રજાઓમાં કરેલી કામગીરીનું ભથ્થું
ઝીરી કિલો મીટર પીટીએ આપવાની માંગણી
જિલ્લા કક્ષાએ સુપરવાઈઝરની જગ્યાઓ ભરવાની માંગણી

આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળથી અસર
સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગના મેલ-ફિમેલ હેલ્થ વર્કર, સુપરવાઈઝર, તાલુકા અને જિલ્લા નિરીક્ષકો, શાળા આરોગ્ય નિરીક્ષકો હડતાળમાં જોડાયા છે, જેને લઇને કેટલીક સેવાઓને તેની સીધી અસર પહોંચી છે. જેમ કે, MPHW દ્વારા કરવામાં આવતી વિવિધ આરોગ્યલક્ષી કામગીરી, રસીકરણ, રોગચાળો અટકાવવાની કામગીરી, કુટુંબનિયોજનની કામગીરી, ઇમરજન્સી સેવાઓને સીધી અસર પહોંચી રહી છે. આ સાથે સુપરવાઈઝર દ્વારા કરવામાં આવતા નિરીક્ષકોના રીપોર્ટિંગની કામગીરી પણ કોમામાં સરી પડી છે તો બીજી બાજુ કોવિડ રસિકરણ, રૂટિન રસીકરણ કામગીરી અને શાળા આરોગ્યલક્ષી કામગીરીનું સુપરવિઝન જેવી કામગીરી ખોરંભે ચઢી ગઇ છે.

આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળથી અસર
અરવલ્લી જિલ્લામાં પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળમાં જોડાતા આરોગ્ય લક્ષી કેટલીક સવાઓને સીધી અસર પોહંચી રહી છે. જિલ્લામાં ફરજ બજાવતા 500 જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે, જેને લઇને આરોગ્ય વિભાગને જાણે લકવો મારી ગયો હોય તેવું પણ સ્પષ્ટ લાગે છે જોકે આ સ્ટ્રાઈક કેટલા સમયમાં સમેટાય છે તે જોવું રહ્યું.
