રાજ્યમાં મીઠાનું ઉત્પાદનમાં ઘટાડો

રાજ્યમાં મીઠાનું ઉત્પાદનમાં ઘટાડો

રાજ્યમાં મીઠાનું ઉત્પાદનમાં ઘટાડો

કોરોના પહેલાની તુલનામાં 12 લાખ ટન ઘટ્યું; દેશમાં 266 લાખ ટન મીઠાનું ઉત્પાદન, ગુજરાતમાં સૌથી વધુ 86%

દેશના કુલ મીઠાના ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન સૌથી વધુ 86 ટકા છે. વર્ષ 2021-22માં દેશમાં કુલ ઉત્પાદન 266 લાખ ટન હતું જેમાં 227.65 લાખ ટન સાથે ગુજરાતનું યોગદાન સૌથી વધારે રહ્યું છે. પરંતુ વર્ષ 2019-20 એટલે કે કોરોના વાયરસના કહેર પહેલા રાજ્યમાં મીઠાનું ઉત્પાદન 239.60 લાખ ટન નોંધાયું હતું જે 2021-22માં 12 લાખ ટન ઘટીને 227.65 લાખ ટને પહોંચી ગયું છે.

વર્ષ 2020-21માં રાજ્યમાં મીઠાનું ઉત્પાદન ઘટીને 216.39 લાખ ટન થયું હતું જે છેલ્લા સાત વર્ષમાં સૌથી ઓછું હતું. રાજ્યસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે રજૂ કરેલા જવાબમાં આ વિગતો સામે આવી છે. નોંધનીય છે કે, મે 2021માં ત્રાટકેલા ટાઉટે વાવાઝોડાના કારણે પણ મીઠા ઉદ્યોગને અંદાજિત 200 કરોડથી વધુનું નુકસાન વેઠવું પડ્યું હતું. કમોસમી વરસાદ, ચોમાસું લાંબુ ખેંચાવું અને વાવાઝોડા મીઠા ઉદ્યોગને સૌથી વધુ અસર કરતાં પરિબળો છે.
2021માં મે મહિનામાં ટાઉટે વાવાઝોડાએ ગુજરાત પર કહેર વરસાવ્યો હતો. વાવાઝોડાના કારણે પડેલા કમોસમી વરસાદથી 30 લાખ ટન મીઠું ધોવાઈ ગયું હતું. ઈન્ડિયન સોલ્ટ મેન્યૂફેક્ચરિંગ એસોસિએશન મુજબ વાવાઝોડાના કારણે રાજ્યના મીઠા ઉદ્યોગને 200 કરોડ રૂપિયાનું વધુનું નુકસાન થયું. એસોસિએશને દાવો કર્યો હતો કે, ટાઉટેના કારણે મોરબી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, નાનું રણ, બનાસકાંઠા અને પાટણ વિસ્તારમાં અંદાજિત 30 લાખ ટન મીઠાનું નુકસાન થયું હતું.
રાજ્યસભામાં રજૂ થયેલી માહિતી મુજબ, દેશમાં ગુજરાત સહિત કુલ 9 રાજ્યોમાં મીઠાનું ઉત્પાદનના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. 2016-17માં દેશનું કુલ મીઠાનું ઉત્પાદન 291.92 લાખ ટન હતું જે 2021-22માં ઘટીને 266.01 લાખ ટન રહી ગયું છે જે સાત વર્ષમાં સૌથી ઓછું નોંધાયું છે. સાત વર્ષના સમયગાળામાં સૌથી વધારે 300.33 લાખ ટનનું ઉત્પાદન 2018-19માં નોંધાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *