ગુજરાતમાં પાંચ મહિનામાં ટીબીથી ૨૬૭૫ના મૃત્યુ

ગુજરાતમાં પાંચ મહિનામાં ટીબીથી ૨૬૭૫ના મૃત્યુ

ગુજરાતમાં છેલ્લા પાંચ મહિનામાં કોરોના કરતાં ટીબીની બિમારી વધારે ઘાતક પુરવાર થઇ રહી છે. જાન્યુઆરીથી મે એમ પાંચ મહિનામાં ગુજરાતમાં ટીબીથી ૨૬૭૫ના  મૃત્યુ થયા છે. બીજી તરફ પાંચ મહિનાના આ સમયગાળામાં કોરોનાથી ૮૨૫ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત પાંચ મહિનામાં ૬૮ હજારથી વધુ વ્યક્તિ ટીબીનો ભોગ બન્યા છે. આમ, ટીબીના વધતા કેસે ચિંતા વધારી દીધી છે.
ગુજરાતમાંથી જાન્યુઆરી મે દરમિયાન ૬૮૭૧૮ ટીબીનો ભોગ બન્યા છે. આ સ્થિતિએ ટીબીથી મૃત્યુદર ચાર ટકાથી પણ વધારે છે. આ ઉપરાંત ગુજરાતમાં પ્રતિ મહિને સરેરાશ ૧૩ હજારથી વધુ લોકો ટીબી થતા હોવાનું સામે આવ્યું છે.પાંચ મહિનામાં દેશના જે રાજ્યમાં ટીબીથી સૌથી વધુના મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ૬૮૯૬ સાથે મોખરે, મહારાષ્ટ્ર ૨૮૪૫ સાથે બીજા જ્યારે ગુજરાત ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં ટીબીના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. વર્ષ ૨૦૧૮થી મે ૨૦૨૨ સુધી ગુજરાતમાંથી  કુલ ૬.૪૭ લાખથી વધુ લોકોને ટીબી થયો છે. જેના ઉપરથી જ ટીબીના વધી રહેલા વ્યાપનો અંદાજ મેળવી શકાય છે.


અમદાવાદની સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટીબીના દર્દીઓમાં થઇ રહેલો વધારો ચિંતાજનક છે. પરંતુ ટીબીના દર્દીઓ માટે સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્ય અને જિલ્લામાં જ્યાં ટીબીના કેસ વધારે હોય તેને અનુરૃપ અલગ-અલગ રણનીતિ બનાવવામાં આવી છે. ટીબીના દર્દીઓને નિઃશુલ્ક દવા આપવામાં આવે છે. કો-મોર્બિડ વસતી વધુ હોય ત્યાં એક્ટિવ ટીબી કેસ શોધવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. કોઇ પણ વ્યક્તિને ટીબીના સ્ક્નીનિંગ કે સારવાર માટે વધુ દૂર જવું પડે નહીં તે પ્રકારની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત ટીબી થયો હોય તેના પરિવારના સદસ્યોને પણ ચેપ લાગે નહીં માટે ખાસ દવા સહિતના પગલા લેવામાં આવે છે.
લોકસભામાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર ટીબી એલિમિનેશન પ્રોગ્રામ હેઠળ સમગ્ર દેશમાંથી ૨૦૨૦માં ૧૮.૦૫ લાખ જ્યારે ૨૦૨૧માં ૨૧.૩૫ લાખને ટીબી થયો હતો. એક્ટિવ કેસ શોધવા માટે લેવામાં આવી રહેલા પગલાં, આયુષમાન ભારત હેલ્થથી સેવા પૂરી પાડવાના કારણે કેસમાં વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૨૦માં ટીબીથી ૮૯૮૨૩, વર્ષ ૨૦૨૧માં ૭૬૦૦૨ના ટીબીથી મૃત્યુ થયા હતા. આમ, ટીબીથી મૃત્યુદર ૨૦૨૦માં ૩.૯ ટકા હતો અને તે ૨૦૨૧માં વધીને ૪.૩ ટકા થયો છે.

ટીબીના દર્દીઓને નિઃશુલ્ક દવા આપવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *