
કચ્છ ના પરિવારે અંધશ્રદ્ધામાં દીકરી ખોઈ
બીમાર બાળાને સાજી કરવા પેટ પર અગરબત્તીના ચાર ડામ અપાવ્યાં બાદ વધુ બીમાર પડી ગયેલી બાળાએ રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગત રાત્રે દમ તોડી દીધો છે.
ઘટના અંગે સામખિયાળી પોલીસે ૧૧ વર્ષની જિજ્ઞા રમેશભાઈ મોરવાડીયાના મૃત્યુ અંગે એક્સિડેન્ટલ ડેથની નોંધ પાડી તપાસ હાથ ધરી છે.
ગાંધીધામ એરપોર્ટ ચોકડીએ આવેલી અંબાજી સોસાયટીમાં રહેતી બીમાર જિજ્ઞાને ગત સોમવારે પરિવારજનો સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ જતાં સમગ્ર બનાવ બહાર આવ્યો હતો.
બીમાર બાળાને સાજી કરવા પેટ પર અગરબત્તીના ચાર ડામ અપાવ્યાં
જિજ્ઞા ઘણાં દિવસોથી બીમાર રહેતી હોઈ પરિવારજનોએ તેની અંજારની હોસ્પિટલમાં નિદાન-સારવાર કરાવ્યા હતા. તબીબોએ તેને ‘પીળીયો તાવ’ હોવાનું જણાવ્યું હતું. દરમિયાન, જિજ્ઞાને લઈ તેની દાદી ભચાઉના આધોઈમાં રહેતાં સંબંધીના ઘેર ગયેલી. અહીં અન્ય કોઈ પરિચિતે અગરબત્તીના ડામ દેવાથી તાવ ઉતરી જશે તેમ કહેતાં તેમણે જિજ્ઞાના પેટ પર સળગતી અગરબત્તીના ચાર ડામ અપાવ્યાં હતા.

ત્યારબાદ જિજ્ઞાની તબિયત વધુ લથડતાં તેને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન ગત રાત્રે તેણે કાયમ માટે આંખો મીંચી દીધી હતી. બનાવની તપાસ કરી રહેલાં પોલીસ સૂત્રોમાંથી વિગતો જાણવા મળી છે કે જિજ્ઞા હૃદય, કીડની અને લોહીની અન્ય ગંભીર બીમારીથી પીડાતી હતી. ઘટના અંગે પોલીસે તબીબી તપાસ, નિદાનના રીપોર્ટ્સ મગાવ્યાં છે. જિજ્ઞા ધોરણ પાંચમાં ભણતી હતી. તેના પિતા રમેશભાઈ ડ્રાઈવીંગનું કામ કરે છે.
ભૂતકાળમાં વાગડમાં બીમાર બાળકોને સાજા કરવા ડામ અપાવવાની ભયંકર અંધશ્રધ્ધા પ્રવર્તતી હતી. જો કે, સમય અને સમજણ સાથે આ અંધશ્રધ્ધા મહદઅંશે નાબૂદ થઈ ગઈ છે. છતાં ક્યારેક આવી એકલ-દોકલ ઘટના બહાર આવ્યાં કરે છે.
