
ગુજરાતમાં ગરમી વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી
ઉનાળાની કાળઝાળ ગરમી બાદ હવે ધીરે-ધીરે ચોમાસું નજીક આવી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આજે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના સેવાઇ રહી છે. મહત્વનું છે કે, ગઇ કાલે રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રમાં અમરેલીમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ સાથે હવમાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા પવનોના કારણે ઠંડક અનુભવાશે.

ગુજરાતમાં ગરમી વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી
ચોમાસાની સત્તાવાર શરૂઆત થાય તે પહેલાં ગઇ કાલે અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોર બાદ અચાનક વાતાવરણમાં આવેલા ફેરફાર બાદ ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી અને ત્યાર બાદ સતત એક કલાક કરતા વધુ સમય સુધી વરસાદ પડ્યો હતો. અમરેલીના સાવરકુંડલા તાલુકાના વંડા, શેલના, ઘોબા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતાં. જેના કારણે શેલણાની સૂતિશેલ નદી ફરી જીવંત બની હતી અને નદીમાં પૂર જેવાં દ્રશ્યો જોવા મળ્યા હતાં. સતત 42 ડિગ્રી કરતા પણ વધુ તાપમાન બાદ અચાનક આવેલા વરસાદના કારણે વાતવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી.
ગુજરાતમાં ગરમી વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી
તો બીજી તરફ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેસર તાલુકાના દેરલા,રાણીગામ પીપરડી જેવા ગામમાં વરસાદી માહોલને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.પણ કેરી સહિતના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સર્જાઈ છે.
ગુજરાતમાં પાટણના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાધનપુર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું તેમજ મેમદાવાદ ગામ નજીકના વિસ્તારોમાં પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં પણ મોડી સાંજે પવનના સુસવાટા સાથે વાતાવરણમાં ફેરબદલ થયું હતું.
