દુશ્મન કી ગોલિયોં કા હમ સામના કરેંગે, આઝાદ હી રહે હૈ, આઝાદ હી રહેંગે : ચંદ્રશેખર આઝાદ

શબ્દસંકલન:-નિકિતા સક્સેના

ચંદ્રશેખર આઝાદ:- ૨૩ જુલાઈ ૧૯૦૬ – ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧

આઝાદનો જન્મ ૨૩ જુલાઈ ૧૯૦૬ના રોજ મધ્ય પ્રદેશના અલિરાજપુર જિલ્લાના ભારવા ગામે થયો હતો. તેમનું જન્મ સમયનું નામ ચંદ્રશેખર તિવારી હતું. તેમના પૂર્વજો કાનપુર (વર્તમાન ઉન્નાવ જિલ્લો) પાસેના બદરકા ગામના હતા. તેમના પિતાનું નામ સીતારામ તિવારી હતું. તેમની માતા જગરાની દેવી ઇચ્છતા હતા કે તેમનો પુત્ર એક મહાન સંસ્કૃત વિદ્વાન બને આ માટે તેમણે પુત્ર ચંદ્રશેખરને કાશી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ માટે મોકલવાનું નક્કી કર્યું. ડિસેમ્બર ૧૯૨૧માં જ્યારે મહાત્મા ગાંધીએ અસહકાર આંદોલન શરૂ કર્યું ત્યારે ૧૫ વર્ષની ઉંમરના વિદ્યાર્થી ચંદ્રશેખર પણ તેમાં જોડાયા. આ આંદોલનમાં તેમની ધરપકડ થઈ. ન્યાયાધીશ સમક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યા ત્યારે તેમણે પોતાનું નામ આઝાદ, પિતાનું નામ સ્વતંત્રતા અને જેલને ઘર તરીકે ઓળખાવ્યા હતા.

૨૭મી ફેબ્રુઆરી એવો જ એક દિવસ છે. ૧૯૩૧ના આ દિવસનો સૂરજ ઊગ્યો અને એક દેશભક્ત ક્રાંતિકાર- માંડ પચીસની વયનો, પણ આયોજન અને વિચારમાં એકદમ નિષ્ણાત- પોતાના સાથીદારોને, અને દેશની યુવા પેઢીને ‘અલ-વિદા’ કહીને શહીદ થઈ ગયો. સ્થળ અલ્હાબાદનો આલ્ફ્રેડ પાર્ક. બ્રિટિશ પોલીસ જેને શોધવા માટે આકાશપાતાળ એક કરી રહી હતી તેના વિશે કોઈ વિશ્વાસઘાતીની જાણકારી પરથી ખબર પડી કે આજે તેઓ આ પાર્કમાં એકઠા થયા છે.

નામ ચંદ્રશેખર આઝાદ. હિ‌ન્દુસ્તાન સમાજવાદી પ્રજાતાંત્રિક સંઘ(એચએસઆરએસ)ના કમાન્ડર ઈન ચીફ. સાથીદારો બંગાળથી ઉત્તરપ્રદેશ અને પંજાબ સુધીના. ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ, ભગવતીચરણ વોરા, દુર્ગાભાભી, શિવ વર્મા, બટુકેશ્વર દત્ત, ફણીન્દ્રનાથ ઘોષ અને બીજા ઘણા. આ સંગઠનોએ દેશભરમાં ક્રાંતિની આગ પ્રસરાવી દીધી. રામપ્રસાદ ‘બિસ્મીલ’ અને અશફાકઉલ્લા ખાંને ફાંસી મળી. અમૃતસરમાં જલિયાંવાલા બાગમાં એકત્રિત લોકો પર આર.ઈ.એચ. ડાયરે, બધા દરવાજા બંધ કરાવીને ગોળીબાર કર્યો. ૧૬પ૦ રાઉન્ડ ગોળીથી એક હજારની લાશો ઢળી. ૧૯૨૭ના સાયમન કમિશનનો વિરોધ કરવા નીકળેલા જુલૂસ પર લાહોરમાં લાઠીમાર કરાયો.

લાલા લજપતરાયે ઘાયલ થઈને ૧૭ નવેમ્બર, ૧૯૨૮ના આંખો મીંચી આઝાદ, ભગતસિંહ, ભગવતીચરણ વગેરેએ તેનો જવાબ આપવાની યોજના કરી અને એક મહિ‌ના પછી, સોંડર્સને ઠાર કરાયો. થોડા વધુ દિવસો પછી ૮ એપ્રિલ, ૧૯૨૯ના લોકસભામાં બોમ્બ ફેંકાયો. ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ત્યાં જ ઊભા રહીને કહ્યું, ‘હા અમે બોમ્બ ફેંક્યો છે…’ પછી ૨૩ ડિસેમ્બરે દિલ્હીમાં વાઈસરોયની ટ્રેન પર બોમ્બ ઝીંક્યો. લાહોર નદીકિનારે, ભગતસિંહને જેલમાંથી છોડાવવા માટે બોમ્બ નિર્માણનાં કામમાં ભગવતીચરણ ઘાયલ થઈને મૃત્યુ પામ્યા. ૭ ઓક્ટોબર, ૧૯૩૦ના લાહોર મુકદ્મામાં ભગતસિંહ, રાજગુરુ, સુખદેવને ફાંસી મળી. બીજા સાતને જન્મટીપની કાળાંપાણીની સજા. ‘આઝાદ’ ક્યારેય પોલીસને હાથ આવ્યા નહીં. તેમને ફરાર જાહેર કરાયા હતા. સાધારણ ધોતી, ઝભ્ભો અને કોટ પહેરતા. નિશાનબાજીમાં નિષ્ણાત. દેશભક્તિનાં ગીતો સંભળાવે. તેમનું પ્રિય ગીત હતું : મા હમેં વિદા દો જાતે હૈં હમ, વિજય કેતુ ફહરાને આજ, તેરી બલિવેદી પર ચઢ કર…

બ્રિટિશ પોલીસ કોઈ પણ ભોગે પકડવા માગતી હતી. શચિન દાને આંદામાનની જેલ મળી હતી. બિસ્મિલ્લ-અશફાક ફાંસીએ ચઢી ગયા હતા. સાથીદારો બધા જ જેલોમાં. એક જ એષણા રહી હતી: સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ/ દેખના હૈ જોર કિતના બાજુ-એ કાતિલ મેં હૈ

એ દિવસ પણ આવ્યો, સમર્પિ‌ત શહાદતનો ૨૭મી ફેબ્રુ.ની સવારે આઠ વાગે ‘આઝાદ’ની સાથે સાથીદારોએ ગુપ્ત બેઠક કરી, આલ્ફ્રેડ પાર્ક(જેને કંપની બાગ પણ કહેવાયો)માં આની ખબર પહોંચતાં પોલીસ ધસી આવી. પોલીસ મૌલશ્રીના ઝાડ પાછળ, આઝાદ જાંબુનાં વૃક્ષ પાછળ સામસામો ગોળીબાર ચાલ્યો. જાંઘમાં ગોળી વાગવાથી ઘાયલ આઝાદે સુખદેવ રાજને કહ્યું કે રાજર્ષિ‌ ટંડનને કહેજે કે મારા મૃતદેહનો અગ્નિ સંસ્કાર. આઝાદે નોટ બેબર સહિ‌તનાને ઘાયલ કર્યાં પણ છેવટે એકલા હાથે, પિસ્તોલમાં છેલ્લી ગોળી બચી ત્યાં સુધી લડતા રહ્યા, છેલ્લી ગોળીનો ઉપયોગ પોતાની આત્મહુતિ માટે કર્યો. જાતે કપાળ પર નિશાન તાકીને શહીદી પ્રાપ્ત કરી. આ તો તેનો સંકલ્પ હતો ને? કહેતા તે, સાથીઓને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *