ગાંધીનગરમાં એક જ બાળકનું બે વખત અપહરણ થતાં ખુદ પોલીસ વિચારમાં પડી ગઈ છે કે, આખરે એક જ બાળકનું બે વખત અપહરણ થવા પાછળ કારણ શું છે? ગાંધીનગર પોલીસે અપહ્યત બાળકને ચાર જ દિવસમાં અપહરણકારોથી છૂટકારો અપાવ્યો છે. તો બીજી તરફ અપહરણકાર એક મહિલા અને પુરુષની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામા આવી હતી
ગાંધીનગર ઝુંડાલથી અડાલજ તરફના રોડ ઉપર ગત 5 જૂનના દિવસે એક મહિલા પોતાના બે માસના બાળકને લઇ મજુરી કામે સાઇકલ લઇને જતી હતી. આ સમય સમયે કોઇ અજાણ્યા શખ્સ દ્વારા બાળકનું અપહરણ કરાયું હતું. અડાલજ પોલીસ સહિત સમગ્ર જિલ્લાની પોલીસ અપહ્યત બાળકને શોધવામાં કામે લાગી હતી. પોલીસે સતત ચાર દિવસ સુધી અડાલજના હાઈ-વે પર આવતા ટોલટેક્ષ, ઉવારસદ, સરગાસણ અને ગાંધીનગર ટાઉન વિસ્તાર, આસપાસના ગામો સહિત હાઈ-વે રોડના આશરે ૫૦૦ જેટલા CCTV ફુટેજ ચેક કર્યા હતા
પોલીસ દ્વારા ૫૦૦ થી વધુ સીસીટીવી ફુટેજ ચેક કરવામા આવ્યા હતા
આ દરમિયાન શહેરના સેક્ટર-21 ખાતે શંકાસ્પદ રીતે જઈ રહેલા મોટર સાયકલને CCTV ફુટેજ મારફતે તપાસ કરી હતી. તપાસતાં કોઈ અજાણ્યો પુરુષ મોટરસાયકલ ઉપર પાછળની સીટમાં એક સ્ત્રીને બેસાડી ચિલોડા તરફ જતો હતો. સીસીટીવીના આધારે વધારે તપાસતાં આ બાઈક રાજસ્થાનના બાંસવાડા તરફ ગયું હોવાની માહિતી મળી હતી. માહિતીને આધારે ગાંધીનગર જીલ્લા પોલીસની ટીમ બાંસવાડા પહોંચી હતી. જ્યાંથી દિનેશ પ્રેમજી કટારા તથા તેની પત્નીની ધરપકડ કરી હતી.
બાળકના અપહરણ પહેલા અલગ અલગ સ્થળે રેકી કરી હતી
ઝડપાયેલા આરોપીઓને પોતાને સંતાન ન હોવાથી સંતાનની ઇચ્છામાં પતિ-પત્નિએ સાથે મળી આ બાળકનું અપહરણ કર્યું હતું. આ બાળકના અપહરણ પહેલા ગાંધીનગર પથિકા શ્રમ ડેપો નજીક એક ઝુંપડપટ્ટી રેકી કરી હતી. જે જગ્યાએ બાળકની માતા બાળકને સતત તેની સાથે રાખતી હોવાથી અપહરણ કરી શક્યા નહોતા. આ ઉપરાંત ગાંધીનગર સેક્ટર -22 તેમજ અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં પણ એક બાળકનું અપહરણ કરવા રેકી કરી હતી. પરંતુ તેમાં પણ તેઓ સફળ થયા નહોતા.
આ બાળકનો જન્મ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં થયો હતો. જે સમયે પણ આ બાળકનું જ અપહરણ થયું હતું. જે તે સમયે પણ પોલીસે અપહરણ કરનારા એક પુરુષ અને એક મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે હાલ તો બંને શખ્સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી શરૂ કરી છે.


