
અંજાર PGVCL કચેરીમાં ડેપ્યુટી ઈજનેર પર 7 શખ્સોનો હુમલો, જાનથી મારી નાખવાની ધમકી
અંજારની PGVCL કચેરીમાં સરકારી કામગીરી દરમિયાન ડેપ્યુટી ઈજનેર સાથે મારામારી, ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે સાત શખ્સો સામે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, હિરેનગિરિ હરેશગિરિ ગોસ્વામી છેલ્લા એક માસથી અંજાર PGVCL કચેરીમાં ડેપ્યુટી ઈજનેર તરીકે ફરજ બજાવે છે. તા. 5 ઓક્ટોબરે ઉપરી અધિકારીની સૂચનાથી તેમણે કર્મચારીઓની બેઠક યોજી નોકરી સંબંધિત જરૂરી સૂચનાઓ આપી હતી.
આ પછી તા. 6 ઓક્ટોબરે કચેરીના કર્મચારી દક્ષાબેનના પતિ સંદીપ ચાવડાએ ફરિયાદીના મોબાઈલ પર મેસેજ કરીને ઓફિસે મળવાની વાત કરી હતી. ત્યારબાદ ફરિયાદી બિલિંગ સેકશનમાં હાજર હતા ત્યારે એક શખ્સે આવી તેમનું કોલર પકડી પોતે નારણભા ગઢવી હોવાનું જણાવી તેમને ઓફિસની બહાર આવવા કહ્યું હતું.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ત્યારબાદ અન્ય શખ્સોએ આવી ગાળાગાળી કરી હતી. સફેદ ચેક્સ શર્ટ પહેરેલા સંદીપ ચાવડાએ ડેપ્યુટી ઈજનેરને ડાબી આંખમાં મુક્કો માર્યો હતો. ત્યારબાદ કુલ સાત શખ્સોએ તેમને ઘેરી લઈ માર માર્યો હતો.
સંદીપ ચાવડાએ પોતાની પત્નીને નોકરી અંગે કોઈ સૂચના નહીં આપવા અને ફરી સૂચના આપશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. અન્ય કર્મચારીઓ દોડી આવતા ઈજનેરને હુમલાખોરોથી છોડાવ્યા હતા અને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે ફરિયાદમાં કચેરીના CCTV ફૂટેજ તેમજ સહકર્મચારીઓ દ્વારા બનાવવામાં આવેલા વીડિયો પુરાવા તરીકે રજૂ કરવાની વાત પણ કરવામાં આવી છે. અંજાર પોલીસે સરકારી કર્મચારી પર હુમલો અને ફરજમાં રૂકાવટ સહિતના મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
