
Heavy Rainfall : ગુજરાતમાં આગામી 3 દિવસ મેઘતાંડવની આગાહી

Heavy Rainfall : ગુજરાતમાં વરસાદી માહોલ ફરી સક્રિય થયો છે. કચ્છ-સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદની ઘટ વચ્ચે હવે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.
વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાતા ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્રને સતર્ક રહેવાની જરૂરિયાત ઊભી થઈ છે.
Heavy Rainfall : 12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
આજે શનિવાર, 12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે નવસારી અને વલસાડ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
જ્યારે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત અમદાવાદ, પોરબંદર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, નર્મદા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Heavy Rainfall : 14 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે
હવામાન વિભાગની આગાહી મુજબ 14 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે.
ઓરેન્જ એલર્ટ: નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ.
યલો એલર્ટ: કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ.
Heavy Rainfall : 15 સપ્ટેમ્બરે આ જિલ્લાઓમાં યલો એલર્ટ
15 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને આસપાસના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Heavy Rainfall : ગુજરાતમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થવા પાછળ એકથી વધુ હવામાની સિસ્ટમ જવાબદાર છે.

લો-પ્રેશર સિસ્ટમ
ઉત્તરપશ્ચિમ-મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા દક્ષિણ ઓડિશા-ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર સર્જાયેલું લો-પ્રેશર 12 સપ્ટેમ્બરની સવારે દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારમાં સ્થિર થયું હતું.
આ સિસ્ટમ સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ દરિયાઈ સપાટીથી આશરે 7.6 કિલોમીટર ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ દક્ષિણ છત્તીસગઢ અને વિદર્ભ થઈને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
મોનસૂન ટ્રફ સક્રિય
સરેરાશ દરિયાઈ સપાટી પર મોનસૂન ટ્રફ જેસલમેર, રાજગઢ, બેતુલ, દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના લો-પ્રેશરના કેન્દ્રમાંથી પસાર થઈ ગોપાલપુર થઈને મધ્ય-પૂર્વ બંગાળની ખાડી તરફ વિસ્તરેલી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
ઉત્તર પાકિસ્તાન અને તેને અડીને આવેલા જમ્મુ વિસ્તારમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. આ સિસ્ટમ દરિયાઈ સપાટીથી આશરે 3.1થી 4.5 કિલોમીટરની ઊંચાઈ વચ્ચે ચક્રવાતી પરિભ્રમણના સ્વરૂપમાં જોવા મળી રહી છે.
પવનની સ્થિતિ પણ વરસાદ માટે અનુકૂળ
રાજ્યમાં નીચલા સ્તરે નૈઋત્યથી પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. વિવિધ હવામાની સિસ્ટમ અને પવનની સ્થિતિના સંયુક્ત પ્રભાવથી ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.
