
રાપરમાં SD Pay એપનું કથિત કૌભાંડ: કરોડો રૂપિયા ફસાયા હોવાની ચર્ચા

રાપર: વધુ વળતરની લાલચ આપી રોકાણ કરાવતી હોવાના આક્ષેપો વચ્ચે SD Pay એપને લઈને રાપર તાલુકામાં ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ રાપરના અનેક વેપારીઓ, ખેડૂતો, નોકરિયાતો સહિતના લોકોના કરોડો રૂપિયા આ એપમાં ફસાયા હોવાની ચર્ચા છે.
SD Pay સ્થાનિક જાણકારોના જણાવ્યા અનુસાર, SD Pay એપમાં દરરોજ 10થી 15 ટકા જેટલા વળતરની લાલચ આપવામાં આવતી હોવાનું કહેવાય છે. આ લાલચમાં આવીને અનેક લોકોએ નાણાં રોક્યા હોવાની માહિતી સામે આવી રહી છે.

રાપરમાં 15થી 20 કરોડ રૂપિયા ફસાયા હોવાની ચર્ચા
મળતી માહિતી પ્રમાણે રાપર તાલુકામાં આ એપ મારફતે આશરે 15થી 20 કરોડ રૂપિયા જેટલી રકમ ફસાઈ હોવાની ચર્ચા છે. જોકે, આ આંકડો સત્તાવાર રીતે પુષ્ટિ પામેલો નથી.
SD Pay જાણકારોના જણાવ્યા મુજબ એક ભગવાધારી મહંતના આશરે દોઢ કરોડ રૂપિયા ફસાયા હોવાની માહિતી છે. જ્યારે એક નાસ્તાના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિના આશરે 10 લાખ રૂપિયા તથા સોની સમાજના કેટલાક વેપારીઓના મળીને આશરે એક કરોડ રૂપિયા ફસાયા હોવાની પણ ચર્ચા છે.
ગ્રામ્ય વિસ્તારમાં ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા એક વ્યક્તિના પણ લાખો રૂપિયા ફસાયા હોવાની માહિતી મળી રહી છે.
SD Pay એજન્ટ મારફતે એપ ડાઉનલોડ કરાવાઈ હોવાનો દાવો
આ સમગ્ર મામલે વધુ એક મહત્વની બાબત એ સામે આવી રહી છે કે SD Pay એપમાં લોકોને જોડવા માટે એજન્ટોને ગ્રાહકદીઠ કમિશન મળતું હોવાનું કહેવાય છે.
માહિતી મુજબ એક મહિલા એજન્ટે આશરે 200 લોકોને એપમાં જોડ્યા હોવાની ચર્ચા છે. જોકે, આ અંગે સત્તાવાર દસ્તાવેજો કે પોલીસ ફરિયાદ સામે આવી નથી.
SD Pay નાણાં ફસાયા હોવા છતાં ફરિયાદથી લોકો દૂર
ચર્ચાસ્પદ બાબત એ છે કે નાણાં ફસાયા હોવાની માહિતી સામે આવી રહી હોવા છતાં અત્યાર સુધી કોઈ વ્યક્તિએ સત્તાવાર ફરિયાદ નોંધાવી ન હોવાનું જાણવા મળે છે.
વધુ વળતરની આશાએ નાણાં રોકનારા લોકો હવે મુશ્કેલીમાં મુકાયા હોવાની ચર્ચા છે. જોકે, સમગ્ર મામલાની હકીકત જાણવા માટે પોલીસ તપાસ અને સત્તાવાર ફરિયાદ જરૂરી બની રહે છે.
અગાઉ પણ SD Pay મામલે કાર્યવાહી થઈ ચૂકી છે
ઉલ્લેખનીય છે કે SD Pay એપ સાથે જોડાયેલા કથિત નાણાકીય ફ્રોડના મામલે અગાઉ અમરેલીમાંથી સંડોવાયેલા કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી ચૂકી છે.
SD Pay રાપર તાલુકામાં પણ આ એપ મારફતે કેટલા લોકોએ રોકાણ કર્યું અને કુલ કેટલી રકમ ફસાઈ છે તે અંગે હવે સત્તાવાર તપાસ થાય તો જ સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ શકે છે.
ફરિયાદ થાય તો વધુ વિગતો સામે આવી શકે
રાપર ખેતી અને વેપાર ક્ષેત્રે મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. આવા સંજોગોમાં ઊંચા વળતરની લાલચ આપતી યોજનાઓમાં નાણાં રોકતા પહેલાં તેની કાયદેસરતા અને વિશ્વસનીયતા ચકાસવી જરૂરી છે.
હાલ SD Pay એપને લઈને રાપરમાં કરોડો રૂપિયાની રકમ ફસાઈ હોવાની ચર્ચા વચ્ચે કોઈ રોકાણકાર સત્તાવાર ફરિયાદ કરવા આગળ આવે છે કે કેમ અને પોલીસ તપાસમાં શું હકીકત બહાર આવે છે, તેના પર સૌની નજર છે.
