
ખાંડ-ગોળના ભાવમાં ભડકો!
Sugar Price Hike: તહેવારો પહેલાં સામાન્ય લોકોના રસોડાનું બજેટ બગાડે તેવા સમાચાર સામે આવ્યા છે. દેશમાં ખાંડના ભાવમાં છેલ્લા કેટલાક સપ્તાહથી નોંધપાત્ર વધારો થયો છે. અનેક શહેરોમાં ખાંડનો છૂટક ભાવ ₹65થી ₹70 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો હોવાના અહેવાલો છે. બીજી તરફ, કેન્દ્ર સરકારે સ્થાનિક સપ્લાય જાળવવા માટે વિદેશમાંથી 10 લાખ ટન રો સુગર ડ્યુટી-ફ્રી આયાત કરવાની મંજૂરી આપી છે.
આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ખડગેએ સવાલ ઉઠાવ્યો કે વિશ્વના મોટા ખાંડ ઉત્પાદક અને નિકાસકાર દેશોમાં સ્થાન ધરાવતા ભારતમાં એવી સ્થિતિ કેમ સર્જાઈ કે હવે વિદેશથી ખાંડ મંગાવવાની જરૂર પડી રહી છે?
Sugar Price Hike : ખડગેએ સરકારને કર્યા ત્રણ સવાલ
ખડગેએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે તહેવારો પહેલાં સરકારની નીતિઓની ‘કડવાશ’ ખાંડની ‘મીઠાશ’માં ભળી ગઈ છે.
Sugar Price Hike : તેમણે મુખ્યત્વે ત્રણ મુદ્દા ઉઠાવ્યા છે:
1. ભારતમાં ખાંડનો સ્ટોક 9 વર્ષના નીચલા સ્તરે કેમ પહોંચ્યો?
ખાંડનું ઉત્પાદન કરનારા મોટા દેશોમાં ભારતનું મહત્વનું સ્થાન હોવા છતાં મિલો પાસે રહેલો સ્ટોક ઘટ્યો છે. આ સ્ટોકમાં ઘટાડો ભાવ વધવાનું એક કારણ માનવામાં આવી રહ્યું છે.
2. 10 લાખ ટન ખાંડ ડ્યુટી-ફ્રી આયાત કરવાની જરૂર કેમ પડી?
દેશમાં પૂરતો સ્ટોક હોવાના સરકારના દાવા વચ્ચે આયાતના નિર્ણયને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.
3. એક તરફ ખાંડની આયાત અને બીજી તરફ શેરડીમાંથી ઇથેનોલનું ઉત્પાદન કેમ?
ખડગેએ સવાલ કર્યો કે જ્યારે દેશમાં ખાંડની કિંમત વધી રહી છે ત્યારે શેરડી અને ખાંડ ઉદ્યોગમાંથી મળતા ઉત્પાદનોનો ઉપયોગ ઇથેનોલ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે, તો આ નીતિની અસર સ્થાનિક ખાંડના પુરવઠા પર પડી રહી છે કે નહીં?

Sugar Price Hike : 50 દિવસમાં ખાંડના ભાવમાં 19% સુધી વધારો
સરકારી સરેરાશ આંકડા પ્રમાણે છેલ્લા લગભગ 50 દિવસમાં ખાંડના ભાવમાં આશરે 19%નો વધારો થયો છે અને કિંમત ₹55.7 પ્રતિ કિલો આસપાસ પહોંચી છે. કેટલાક શહેરોમાં સ્થાનિક બજારમાં છૂટક ભાવ ₹65થી ₹70 પ્રતિ કિલો સુધી પહોંચ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.
અહેવાલો પ્રમાણે ત્રણ મહિનામાં ખાંડના ભાવમાં આશરે ₹19 પ્રતિ કિલો સુધીનો વધારો નોંધાયો છે. તહેવારોની મોસમ નજીક આવતાં ખાંડની માંગ વધવાની શક્યતા હોવાથી ભાવને લઈને ચિંતા વધુ વધી છે.

Sugar Price Hike : ખાંડ સાથે ગોળ, ચોખા અને મકાઈનો લોટ પણ મોંઘા
મોંઘવારીનો દબાણ માત્ર ખાંડ પૂરતો સીમિત નથી. છેલ્લા ત્રણ મહિનામાં ગોળના ભાવમાં આશરે 24%, ચોખામાં 16% અને મકાઈના લોટમાં 11% સુધીનો વધારો નોંધાયો હોવાનું જણાવાયું છે.
ખાંડ અને ગોળના ભાવ વધવાથી ચા, મીઠાઈ, બેકરી અને અન્ય ખાદ્ય ઉત્પાદનોના ખર્ચ પર પણ અસર થવાની શક્યતા છે. ખાસ કરીને તહેવારો પહેલાં મીઠાઈ અને ઘરગથ્થુ વપરાશમાં ખાંડની માંગ વધતી હોવાથી ભાવવધારો સામાન્ય ગ્રાહકો માટે વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે.
Sugar Price Hike : મિલો પાસે ખાંડનો સ્ટોક કેમ ઘટ્યો?
ખાંડના ભાવ વધવા પાછળનું એક કારણ મિલો પાસે રહેલા જૂના સ્ટોકમાં ઘટાડો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ગયા સિઝનમાં પિલાણ શરૂ થતાં પહેલાં ખાંડ મિલો પાસે આશરે 47 લાખ ટન ખાંડનો સ્ટોક હતો. આ વખતે આ જ સ્ટોક ઘટીને આશરે 32 લાખ ટન રહ્યો હોવાનું જણાવાયું છે.
સ્ટોકમાં ઘટાડો અને બજારમાં માંગ વધવાથી મિલ સ્તરે ખાંડના ભાવમાં ઝડપી વધારો થયો હોવાનું નિષ્ણાતો માને છે.
Sugar Price Hike : ઇથેનોલ નીતિ પર પણ રાજકીય સવાલ
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ વધારવા માટે ઇથેનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું છે. આ માટે શેરડી ઉપરાંત મકાઈ અને અન્ય અનાજનો પણ ઉપયોગ થાય છે.
ઓલ ઇન્ડિયા ડિસ્ટિલર્સ એસોસિએશનના આંકડા પ્રમાણે ગયા વર્ષે દેશમાં આશરે 720 કરોડ લિટર ઇથેનોલનું ઉત્પાદન થયું હતું. તેમાં અનાજ ઉપરાંત શેરડી અને ખાંડ ઉદ્યોગમાંથી મળતા ઉત્પાદનોનો પણ ઉપયોગ થયો હતો.
વિરોધ પક્ષનો સવાલ એ છે કે જ્યારે સ્થાનિક ખાંડનો સ્ટોક ઘટી રહ્યો છે ત્યારે શેરડીમાંથી ઇથેનોલ બનાવવા માટે થતી ડાયવર્ઝનની નીતિનું પુનઃમૂલ્યાંકન કરવું જોઈએ કે નહીં.
Sugar Price Hike : સરકારનો જવાબ: ઇથેનોલના કારણે ભાવ વધ્યા નથી
જોકે કેન્દ્ર સરકારે ખાંડના ભાવ વધવા પાછળ ઇથેનોલ ઉત્પાદનને જવાબદાર ગણવાનો ઇનકાર કર્યો છે.
ખાદ્ય સચિવ સંજીવ ચોપરાના જણાવ્યા પ્રમાણે ખાંડના ભાવમાં વધારા પાછળ સ્થાનિક ઉત્પાદનનો ઘટાડો, તહેવારો પહેલાં વધેલી માંગ, હવામાનની અસરથી શેરડીના પાકને થયેલું નુકસાન અને આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્લાયનું દબાણ જેવા કારણો જવાબદાર હોઈ શકે છે.
સરકારનું કહેવું છે કે દેશની ઘરેલું જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતો ખાંડનો સ્ટોક ઉપલબ્ધ છે.
Sugar Price Hike : એક્સ-મિલ ભાવમાં પણ મોટો ઉછાળો
ખાદ્ય સચિવના જણાવ્યા પ્રમાણે 20 જુલાઈએ દેશમાં ખાંડની સરેરાશ છૂટક કિંમત આશરે ₹48 પ્રતિ કિલો હતી, જે વધીને લગભગ ₹56 પ્રતિ કિલો થઈ છે.
બીજી તરફ, ખાંડ મિલમાંથી વેપારીઓને મળતી એક્સ-મિલ કિંમતમાં પણ ઝડપથી વધારો થયો છે. આશરે 7થી 10 દિવસના સમયગાળામાં એક્સ-મિલ ભાવ ₹47-48થી વધીને ₹62 પ્રતિ કિલો સુધી પહોંચ્યો હોવાનું જણાવાયું છે.
આ વધારો આગળ જતાં છૂટક બજારમાં પણ વધુ અસર કરી શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Sugar Price Hike : સરકાર કહે છે- હવે ઇથેનોલમાં ખાંડનો હિસ્સો ઓછો
ખાદ્ય સચિવના જણાવ્યા પ્રમાણે ભારતમાં હાલમાં ઉત્પાદિત ઇથેનોલનો માત્ર આશરે એક ચતુર્થાંશ ભાગ ખાંડ આધારિત છે, જ્યારે મોટો હિસ્સો મકાઈ જેવા અનાજમાંથી આવે છે.
ઇથેનોલ માટે ડાયવર્ટ કરવામાં આવતી ખાંડનો હિસ્સો 2022-23માં 12% હતો, જે 2025-26માં ઘટીને આશરે 9% થયો હોવાનું સરકારનું કહેવું છે.
સરકારના જણાવ્યા પ્રમાણે વર્તમાન સિઝનમાં ઇથેનોલ ઉત્પાદન માટે આશરે 28 લાખ ટન ખાંડ ડાયવર્ટ કરવામાં આવી છે.
Sugar Price Hike : ભારતની ખાંડ નિકાસમાં સતત ઘટાડો
એક સમય હતો જ્યારે ભારત વિશ્વના મોટા ખાંડ નિકાસકાર દેશોમાં ગણાતું હતું. 2021-22માં ભારતે આશરે 1.1 કરોડ ટન ખાંડની નિકાસ કરી હતી.
Sugar Price Hike : ત્યારબાદ નિકાસમાં સતત ઘટાડો જોવા મળ્યો. ઉપલબ્ધ આંકડા પ્રમાણે:
2022-23: આશરે 1.33 કરોડ ટન ખાંડ-મોલાસીસ અને સંબંધિત ઉત્પાદનોની નિકાસ
2023-24: આશરે 51.35 લાખ ટન
2024-25: આશરે 38.43 લાખ ટન
હવે સ્થાનિક સપ્લાયની સ્થિતિને કારણે ખાંડની આયાત કરવાનો નિર્ણય લેવાયો છે.
Sugar Price Hike : બ્રાઝિલ પછી ભારત વિશ્વનો મોટો ખાંડ ઉત્પાદક
ભારત બ્રાઝિલ પછી વિશ્વનો બીજો સૌથી મોટો ખાંડ ઉત્પાદક દેશ છે. દેશના અનેક રાજ્યોમાં શેરડીનું મોટા પાયે ઉત્પાદન થાય છે અને લાખો ખેડૂતોની આવક શેરડી તથા ખાંડ ઉદ્યોગ સાથે જોડાયેલી છે.
આવી સ્થિતિમાં ખાંડના ભાવમાં અચાનક વધારો અને વિદેશથી આયાત કરવાની જરૂરિયાતે સરકારની ખાંડ નીતિ, શેરડીના ઉત્પાદન, ઇથેનોલ નીતિ અને નિકાસ-આયાતના નિર્ણયોને લઈને નવી ચર્ચા જગાવી છે.
Sugar Price Hike : હવે મોટો સવાલ- ખાંડના ભાવ ઘટશે કે વધુ વધશે?
કેન્દ્ર સરકારે ભાવને નિયંત્રિત કરવા માટે 31 ઓક્ટોબર સુધી 10 લાખ ટન રો સુગર ડ્યુટી-ફ્રી આયાત કરવાની મંજૂરી આપી છે. હવે જો આયાત કરેલી ખાંડ ઝડપથી સ્થાનિક બજારમાં પહોંચે તો પુરવઠો વધવાથી ભાવ પર દબાણ ઘટી શકે છે.
પરંતુ તહેવારો પહેલાં માંગમાં વધારો, સ્થાનિક ઉત્પાદન, મિલો પાસેનો સ્ટોક અને આંતરરાષ્ટ્રીય ખાંડ બજારની સ્થિતિ આગામી દિવસોમાં મહત્વની રહેશે.
સામાન્ય ગ્રાહક માટે હાલ સૌથી મોટો સવાલ એ છે કે ખાંડ અને ગોળના વધેલા ભાવ તહેવારો પહેલાં નીચે આવશે કે પછી મીઠાઈની સાથે રસોડાનું બજેટ પણ વધુ ‘કડવું’ બનશે?
