
રાજકોટમાં તળાવમાં ડૂબી જતાં બે ભાઈ સહિત 4નાં મોત, જન્મદિવસે જ 10 વર્ષના બાળકનું મોત
રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેડી ગામથી હડમતીયા તરફ આવેલી વીડી વાળા પીરની દરગાહ નજીક તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકો અને એક યુવાન સહિત ચાર લોકોના કરુણ મોત થયા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાથમિક માહિતી મુજબ, 5 વર્ષીય સેફુ અભેસોરા તળાવમાં ડૂબવા લાગ્યો હતો. તેને બચાવવા માટે અન્ય બાળકો અને 18 વર્ષીય સાહિલ અભેસોરા પાણીમાં ઉતર્યા હતા. જોકે, એક બાદ એક ચારેય પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
મૃતકોમાં સગા ભાઈઓ સોહન અભેસોરા (10), સેફુ અભેસોરા (5), સાહિલ અભેસોરા (18) અને અલીફા અભેસોરા (10) નો સમાવેશ થાય છે.
જન્મદિવસે જ સોહનનું મોત
આ ઘટનામાં સૌથી હૃદયદ્રાવક બાબત એ છે કે 10 વર્ષીય સોહન અભેસોરાનો આજે જ જન્મદિવસ હતો. પરિવાર સાથે જન્મદિવસ નિમિત્તે દરગાહે દર્શન અને જમવા માટે ગયેલા સોહનનું જન્મદિવસના દિવસે જ તળાવમાં ડૂબી જવાથી મોત થયું હતું.
બાળકોને બચાવવા યુવક પણ તળાવમાં ઉતર્યો
એસીપી ભાવેશ જાધવના જણાવ્યા મુજબ, પરિવાર અને બાળકો સોહનના જન્મદિવસ નિમિત્તે વીડી પીરની દરગાહે ગયા હતા. દર્શન અને જમ્યા બાદ કેટલાક બાળકો તળાવમાં ન્હાવા પડ્યા હતા. દરમિયાન એક બાળક ડૂબવા લાગતાં તેને બચાવવા માટે 18 વર્ષીય સાહિલ પણ તળાવમાં ઉતર્યો હતો. જોકે, દુર્ભાગ્યે તે પણ પાણીમાં ડૂબી ગયો હતો.
સ્થાનિકોએ મૃતદેહો બહાર કાઢ્યા
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તળાવમાંથી ચારેયના મૃતદેહો બહાર કાઢ્યા હતા. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
એક તરફ પરિવાર સોહનનો જન્મદિવસ ઉજવવાની તૈયારીમાં હતો, ત્યારે જ ચાર લોકોના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
