
અમદાવાદના મનપસંદ જીમખાના જુગારકાંડમાં મોટી કાર્યવાહી, દરિયાપુર PI-PSI સસ્પેન્ડ
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા બાદ પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દરોડા દરમિયાન હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ થયો હતો અને 187 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે બેદરકારી બદલ દરિયાપુર પોલીસ સ્ટેશનના PI જી.વી. ગોહિલ સહિત સર્વેલન્સ સ્ક્વોડના PSI સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.
2 ઓગસ્ટની રાત્રે SMCની ટીમે મનપસંદ જીમખાના ખાતે દરોડો પાડ્યો હતો. સ્થાનિક પોલીસને જાણ બહાર કરવામાં આવેલી આ કાર્યવાહીમાં 187 જેટલા જુગારીઓ ઝડપાયા હતા અને મોટી માત્રામાં મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ દરોડા બાદ સ્થાનિક પોલીસની કામગીરી અને જવાબદારી અંગે સવાલો ઊભા થયા હતા.
આ મામલે રાજ્ય પોલીસ વડા દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનના PI જી.વી. ગોહિલ અને સર્વેલન્સ સ્ક્વોડના PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અધિકારીઓની બેદરકારીને પગલે આ કાર્યવાહી કરાઈ હોવાનું સામે આવ્યું છે. હાલ દરિયાપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ શાહીબાગ પોલીસ સ્ટેશનના PIને સોંપવામાં આવ્યો છે.
AMCએ પણ મનપસંદ જીમખાના સામે કરી કાર્યવાહી
મનપસંદ જીમખાના સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી. 8 ઓગસ્ટે મનપસંદ જીમખાનાને સીલ કરવામાં આવ્યું હતું. મંજૂર ઉપયોગથી અલગ રીતે મિલકતનો કોમર્શિયલ ઉપયોગ થતો હોવાનું તપાસમાં સામે આવતા AMCએ કાર્યવાહી કરી હતી.
મનપસંદ જીમખાના આવેલી મિલકતના મંજૂર બાંધકામ રેકોર્ડ મુજબ ગ્રાઉન્ડ ફ્લોર કોમર્શિયલ, જ્યારે ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર રહેણાક ઉપયોગ માટે મંજૂર હતા. પાર્ટ થર્ડ ફ્લોરનું પણ બાંધકામ દર્શાવવામાં આવ્યું હતું. જોકે મંજૂર નકશા અને ઉપયોગથી વિરુદ્ધ જીમખાના તરીકે પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું.
અગાઉ પણ બિનઅધિકૃત બાંધકામ સામે કાર્યવાહી
AMC દ્વારા અગાઉ પાર્ટ થર્ડ ફ્લોરમાં કરવામાં આવેલા વધારાના બિનઅધિકૃત બાંધકામને દૂર કરવામાં આવ્યું હતું. તે સમયે પણ મંજૂર પ્લાન અને સ્થળ પરના વાસ્તવિક બાંધકામ વચ્ચે તફાવત જણાતા કાર્યવાહી કરવામાં આવી હતી.
ત્યારબાદ મિલકતનો મંજૂર ઉપયોગ કરતાં અલગ રીતે મનપસંદ જીમખાના તરીકે ઉપયોગ ચાલુ હોવાનું સામે આવતા AMCની ટીમે ફરી કાર્યવાહી કરી અને સ્થળને સીલ કર્યું હતું.
