
ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ડૉ. જયંતિ રવીની SEOC મુલાકાત, 24×7 એલર્ટ રહેવા સૂચના
ગાંધીનગર: રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સંપૂર્ણ સતર્ક બની છે. આ પરિસ્થિતિમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવીએ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ની મુલાકાત લઈને વરસાદની સ્થિતિ અને રાહત-બચાવ કામગીરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
મુલાકાત દરમિયાન રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ રાજ્યના વિવિધ જિલ્લાઓની વર્તમાન સ્થિતિ, હવામાનની આગાહી તેમજ તંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.
ડૉ. જયંતિ રવીએ SEOCના કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કરીને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે તમામ સંબંધિત વિભાગો, જિલ્લા વહીવટી તંત્ર અને કંટ્રોલ રૂમની ટીમોને 24 કલાક સાતેય દિવસ (24×7) એલર્ટ મોડમાં રહી કામગીરી કરવાની સૂચના આપી હતી.
રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારો, નદીકાંઠાના ગામો અને સંવેદનશીલ વિસ્તારોમાં જરૂરી તકેદારી રાખવા તેમજ જરૂર પડે ત્યારે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે સંબંધિત તંત્રને પણ સજ્જ રાખવામાં આવ્યું છે.
